Lok Sabha Election 2024: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર વિરોધના સૂર ઉઠ્યા છે, સાબરકાંઠા અને પોરબંદર બેઠક બાદ રાજ્યમાં ઉમેદવારોને લઇને પક્ષના જુના કાર્યકરો વિરોધ કરી રહ્યાં છે. કાર્યકરો પાયાના કાર્યકરોને ટિકીટ આપવાની વાત કરી રહ્યાં છે, તેમને કહેવું છે કે, આયાતી ઉમેદવારોને ટિકીટ આપીને પક્ષના કાર્યકરો સાથે ઓરમાયુ વર્તન કરાઇ રહ્યું છે. ગઇકાલે સારબકાંઠામાં ભભૂકેલી રાજકીય આગ બાદ આજે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એક મહત્વની લોકસભા ચૂંટણીને લઇને બેઠકો બોલાવી હતી. આ બેઠકમાં સીઆર પાટીલ આકરા મૂડમાં જોવા મળ્યા હતા, અને તમામ ધારાસભ્યો અને નેતાઓને ચેતાવણી પણ આપી દીધી હતી.
સીઆર પાટીલે તમામ નેતાઓને આકરા વલણ સાથે કહી દીધુ હતુ કે દિલ્હીમાંથી જે ઉમેદવારો નક્કી થયા છે, તેમને આપણે પાંચ લાખની લીડથી જીત અપાવવાની છે. આ બેઠક આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી. સીઆર પાટીલે આ દરમિયાન કહ્યું હતુ કે કોઈ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો, જેથી તેનુ નિરાકરણ કરી શકાય, બાકી પાંચ લાખથી ઓછી લીડ સ્વીકાર્ય નથી, ઓછી નહીં ચલાવી લેવાય. લોકસભા ચૂંટણીને લઈને કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરતા કહ્યું કે, ચૂંટણીમાં ટિકિટ કોઈ એક ને જ આપી શકાય. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. “પ્રયાસ પ્રમાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ” તેમજ તેમણે જણાવ્યુ છે કે કોઈપણ તકલીફ હોય તો તરત જ મને જાણ કરો” નુકશાન થઈ ગયા બાદ કારણો જાણવામાં કોઈ રસ નથી.
આ ઉપરાંત બેઠકમાં સીઆર પાટીલે જણાવ્યું કે, 5 લાખની લીડમાં મુશ્કેલી હોય તો મને કહો. તેમજ દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં 1 લાખની લીડ લાવે તેવી અપીલ કરી હતી. પોણા પાંચ લાખની લીડ આવશે તો કોઈ બહાનું નહીં ચલાવામાં આવે. તેમજ જણાવ્યુ છે કે નકલી મતદારને મતદાન કરતા રોકવામાં આવે 3 દિવસમાં લાભાર્થી અને પેજ કમિટી સભ્યો પૂર્ણ સંપર્ક કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી. બૂથમાં ઓછામાં ઓછા 150 અને વધુમાં વધુ 250 ભાજપના ઝંડા લગાવો. 101 ધારાસભ્ય, લાભાર્થી સંપર્ક, પેજ કમિટી સભ્ય, ભાજપના ઝંડા લગાવા માટે માહિતી આપી. તેમજ નક્કી કરાય તેનાથી એક રૂપિયો વધુ ખર્ચ ન થાય તેની પણ ચેતાવણી આપવામાં આવી હતી.