દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ, 2,900થી વધુ લોકોનું સ્થળાંતર

By: Nation Gujarat Team
23 Jul, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું અત્યંત આક્રમક અને રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. અતિભારે વરસાદના કારણે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ વિપરીત અસર વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી છે, જ્યાં માત્ર 28 કલાકના ટૂંકા ગાળામાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

300થી વધુ રસ્તાઓ ઠપ્પ, ST બસની 200થી વધુ ટ્રીપ રદ

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 200થી વધુ બસ ટ્રીપ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

વિગત
આંકડા
સૌથી વધુ વરસાદ (ઉમરગામ)
43 ઇંચ (28 કલાકમાં)
સ્થળાંતરિત નાગરિકો
2,900 થી વધુ
બંધ પંચાયત રસ્તાઓ
300 થી વધુ
રદ કરાયેલી ST બસ ટ્રીપ
200 થી વધુ
નવસારી રેસ્ક્યૂ (11 ગામો)
200 થી વધુ લોકો

રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે: NDRF, SDRF સાથે એરફોર્સ સ્ટેન્ડ-બાય

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહત કમિશનર તરફથી મળતી માહિતી મુજબ:

  • સુરત, વલસાડ અને નવસારીના પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,900 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
  • નવસારીની કાવેરી નદીમાં પૂર આવતાં ફસાયેલા 11 ગામોના 200 થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
  • જમીન પર NDRF અને SDRF ની ટીમો સતત તૈનાત છે. આ ઉપરાંત, જો પરિસ્થિતિ વધુ વણસે અને નાગરિકોને એરલિફ્ટ કરવાની જરૂર પડે તો ભારતીય કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ ‘સ્ટેન્ડ-બાય’ મોડ પર રાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ SEOC પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી કુદરતી આફતની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રૂબરૂ પહોંચીને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા.

સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર છે ત્યારે શહેર ગામડાના અનેક રહેણાંક વિસ્તાર સાથે અન્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે થતી સ્થિતિ માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ સ્થિતિ સાથે હવે બીજી એક ચિંતાજનક સ્થિતિ બહાર આવી છે આ સ્થિતિ જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક બની રહી છે.

આવી જ એક હૃદયદ્રાવક સ્થિતિ ગુરુવારે વહેલી સવારે સુરત-ઓલપાડ રોડ પર જોવા મળી હતી. સરોલીથી તલાદ પાટિયા વચ્ચેના માર્ગ પર મોટી સંખ્યામાં સાપો રોડ પર જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ સાપ, કાચબા અને દેડકા સહિતના અન્ય જીવો ભારે વાહનોની અડફેટે આવી મૃત હાલતમાં પડ્યા હતા, જ્યારે અનેક સાપો હજુ પણ જીવ બચાવવા રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વરસાદી રાત્રિ દરમિયાન જોવા મળેલા આ દૃશ્યોએ અનેક વાહનચાલકોને પણ થોભી જવા મજબૂર કર્યા હતા.

વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ વરસાદી ઋતુમાં રાત્રિના સમયે વન્યજીવોની અવરજવર વધી જાય છે. ખાસ કરીને ખાડી, નદી, ખેતી વાળા વિસ્તારો અને જંગલની નજીક આવેલા માર્ગો પર રોડ કીલની ઘટના વધુ બનતી હોય છે. સુરત-ઓલપાડ રોડ પર જોવા મળેલી ઘટના માત્ર એક ઉદાહરણ છે. દર વર્ષે રાજ્યના અનેક રસ્તાઓ પર અસંખ્ય સાપ, કાચબા અને અન્ય નાના વન્યજીવો વાહનોની અડફેટે આવી જીવ ગુમાવે છે. પર્યાવરણપ્રેમીઓના મત મુજબ ‘રોડ કીલ’ માત્ર જીવદયાનો મુદ્દો નથી, પરંતુ જૈવ વૈવિધ્યના સંરક્ષણ સાથે જોડાયેલો ગંભીર વિષય છે


Related Posts

Load more