સાબરકાંઠા: ગુજરાત સરકારએ 24 સપ્ટેમ્બરે નવા 17 તાલુકાની રચના કરી હતી, પરંતુ ઈડર વિસ્તારના જાદરા તાલુકાની માંગણી સંતોષવામાં આવી નહોતી. આથી સ્થાનિક કાર્યકરોમાં રોષ વ્યાપ્યો હતો. ત્યારે આ તમામ ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં MLA રમણ વોરાના નામે એક મેસેજ વાયરલ થયો હતો કે, “તૈયારી શરૂ કરો, જો જાદરા તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં વિસાવદર વાળી કરવી પડશે.” આ મેસેજ બાદ ભાજપના આંતરિક ગ્રુપોમાં પણ ચર્ચા મચી ગઈ હતી.
વોરાના નામે ફેલાયેલા આ મેસેજમાં વધુમાં કહેવાયું હતું કે, “હાલ આપણે બધા માટે માત્ર એક જ મુદ્દો છે — જાદરા તાલુકાનો. હાલ ભાજપ, કોંગ્રેસ કે આપની વાત ન કરો. તાલુકો ન થાય ત્યાં સુધી કોઈ પક્ષની ચર્ચા ન કરો.” આ નિવેદનથી ભાજપના આંતરિક સ્તરે પણ અસંતોષની લાગણી જોવા મળી હતી. ત્યારે આ વાયરલ મેસેજ અંગે MLA રમણલાલ વોરાએ હાલ સ્પષ્ટતા આપી છે.આ મામલે રમણ વોરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “વાયરલ સ્ક્રીનશોટ મેં પણ જોયો છે. હું 1973થી જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલો છું. મેં કે મારા કાર્યકરોએ ક્યારેય ભાજપ કે ભાજપ સરકાર વિરોધી વાત કરી નથી. મારા નામે આ મેસેજ ફેલાવવું એ મારી બદનામી માટેનું ષડયંત્ર છે. મારી પાસે માહિતી છે કે આ મેસેજ કોણે લખ્યો. મારા મતવિસ્તારની વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે. ટ્રૂ કોલરમાં મારો નંબર ‘R.I. Vora’ તરીકે દર્શાવે છે, જ્યારે સ્ક્રીનશોટમાં ‘રમણલાલ વોરા’ લખેલું આવે છે. આ સ્પષ્ટ બતાવે છે કે કોઈએ મારી ઓળખનો દુરુપયોગ કર્યો છે.”રમણ વોરાએ વધુમાં જણાવ્યું કે, જાદરા તાલુકાનો મુદ્દો વાસ્તવમાં ન્યાયસંગત છે. આ માગણી ત્યારે પણ થઈ હતી, જ્યારે હું ધારાસભ્ય નહોતો. 17 તાલુકાની રચના સમયે અમને તાલુકો ન મળતા સ્વાભાવિક રીતે કચવાટ હતો, પણ ક્યારેય પક્ષવિરુદ્ધ ઉશ્કેરણી નથી કરી અને હાલ પણ મારા નામે અન્ય કોઈ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે, જોકે આ કૃત્ય કરનાર વ્યક્તિ મારા જ મતવિસ્તારની હોવાથી હું તેની સામે કોઈ કાર્યવાહી કરવા માંગતો નથી.”
ઉલ્લેખનીય છે કે, ઈડર વિસ્તારમાં અગાઉ પણ જાદરા તાલુકાની માગ સાથે અનેક પ્રતિનિધિઓએ રજૂઆતો કરી હતી અને ત્યારે પણ 100થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા. 24 સપ્ટેમ્બરે જાહેર થયેલા 17 નવા તાલુકામાં જાદરનો સમાવેશ ન થતાં અસંતોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે તાજેતરમાં રાજ્ય કેબિનેટે કેટલાક તાલુકા હેડક્વાર્ટરના ફેરફાર કર્યા છે, જેમાં ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક બદલાયું છે, પરંતુ જાદર તાલુકા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આથી ઈડર વિસ્તારનો મુદ્દો ફરી રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.