વડોદરામાં વિનાશ બાદ સરકાર જાગી! 1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રીના રી ડેવલપમેન્ટની જાહેરાત

By: nationgujarat
30 Aug, 2024

ગુજરાતભરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવતા કાંઠાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ તમામ વિસ્તારોમાં હાલ પાણી ઉતરતા હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકાર વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે રૂપિયા 1200 કરોડ ફાળવશે. આ અંગેની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે.

વિશ્વામિત્રી નદીના પૂરને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થતા પારાવાર હાલાકી ઉભી થઈ હતી. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ જાહેરાત કરીકે  વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મુકાશે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરી સહાય ચૂકવાશે

આ મંજૂરી બાદ વડોદરામાં પાણી સાથે જોડાયેલ તમામ પ્રોજેક્ટ આવરી લેવાશે. વહીવટીતંત્ર આવનારા દિવસોમાં પ્રોજેક્ટનો પ્લાન તૈયાર કરી સરકારને સોંપશે. જેના માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટી પણ બનાવવામાં આવી છે. નુકસાનના સર્વે માટે વધુ 400 કર્મચારીઓનો ઉમેરો કરી સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરી સહાય ચૂકવાશે.

આ સિવાય વધુ 500 સફાઇ કર્મચારી પણ વડોદરા પહોંચી ગયા છે. સાફ સફાઈની કામગીરી અને રોડ રસ્તાને રિપેર કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે વડોદરામાં વરસાદથી તારાજી માટે 5 હજાર કરોડના પેકેજની માગ કરી હતી.


Related Posts

Load more