બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલા દર્શન માર્કેટીંગ નામના ઉત્પાદન એકમ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરપ્રાઈઝ દરોડો પાડ્યો હતો. આ એકમમાં દૈનિક વપરાશની અગત્યની વસ્તુ એવા મરચાં પાવડરમાં મોટા પાયે અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળતાં આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન અધિકારીઓને માલૂમ પડ્યું હતું કે, ઉત્પાદક દ્વારા મરચાં પાવડરનો જથ્થો વધારવા અને તેનો દેખાવ લાલચોળ કરવા માટે લોકોના આરોગ્ય માટે અત્યંત ઘાતક એવો કૃત્રિમ કેમિકલ કલર પાવડર, ઘઉંનું ભુસું તથા ધાણા પાવડર જેવા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવતું હતું. સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમે કુલ 6,071 કિલો જેટલો વિશાળ શંકાસ્પદ જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાંથી રૂ. 2.45 લાખની કિંમતનો ૩,571 કિલો શંકાસ્પદ મરચાં પાવડર અને ભેળસેળની સામગ્રી જપ્ત કરી સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2,500 કિલો જેટલો એક્સપાયરી ડેટ વીતી ગયેલો ખરાબ જથ્થો મળી આવતાં તેને તાત્કાલિક ડીસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર લઈ જઈને નાશ કરવામાં આવ્યો હતો.
સ્થળ પરથી મરચાં પાવડર, કલર અને રો-મટીરિયલ સહિતના કુલ 9 સેમ્પલ પૃથક્કરણ અર્થે સરકારી ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ દર્શન માર્કેટીંગના માલિક સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળના પ્રકાર અને તેનાથી થતા આરોગ્યના જોખમને આધારે પેઢી સામે વધુ કડક કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.