ડાકોર રણછોડરાયજીનો અન્નકુટનો પ્રસાદ લુટવાની અનોખી પરંપરા જાણો અહેવાલ

By: nationgujarat
21 Oct, 2025
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દીવાળીના બીજા દિવસે ભક્તિભાવ અને પરંપરાનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રણછોડરાય મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવા માટે મંદિર કમિટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય મંડપમાં 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફળો અને વિવિધ પ્રકારના મિષ્ટાનનો મહાપ્રસાદ તૈયાર કરાયો હતો.
બપોરે 12 વાગ્યે ઠાકોરજીને અન્નકૂટ પીરસ્યા બાદ આશરે બપોરે 2:20 વાગ્યે મંદિરના દ્વાર ખૂલતાની સાથે જ ભક્તોમાં ઉત્સાહની લહેર દોડી ગઈ હતી. ‘જય રણછોડ’ના નાદ સાથે ભક્તો અન્નકૂટ લૂંટવા તૂટી પડ્યા હતા. માત્ર 11 મિનિટમાં સમગ્ર અન્નકૂટ લૂંટી લેવાયો હતો.
ભક્તો પ્રસાદ રૂપે મળેલા ભાત, બુંદી અને મીઠાઈને પોતાના ગામોમાં લઈ જઈ પરિવારજનો અને ગામજનો વચ્ચે વહેંચતા હોય છે. આ નજારો જોવા માટે પણ હજારો લોકો ડાકોરના મંદિરમાં ઉમટી પડ્યા હતા.
કહેવાય છે કે, સમગ્ર ભારતમાં માત્ર બે મંદિરોમાં જ અન્નકૂટ લૂંટવાની પરંપરા જોવા મળે છે — એક રાજસ્થાનના નાથદ્વારામાં અને બીજું ગુજરાતના ડાકોરમાં. અહીં મળેલો પ્રસાદ ભગવાનના આશીર્વાદ રૂપે માનવામાં આવે છે અને તેને વર્ષના પ્રથમ ભોગ તરીકે પૂજનીય માનવામાં આવે છે. આ પરંપરા પેઢીઓથી ચાલુ છે અને આજે પણ લોકો સમર્પણભાવ સાથે તેમાં ભાગ લે છે. ડાકોરના રણછોડરાય મંદિરમાં અન્નકૂટ લૂંટનો આ ઉત્સવ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સામાજિક એકતાનો પણ જીવંત દાખલો છે.
આ વર્ષે નક્ષત્ર મુજબ આજના પડતર દિવસે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. મંદિર કમિટી દ્વારા 80 જેટલા ગામોના ભક્તોને આ પવિત્ર પ્રસંગમાં જોડાવા માટે આમંત્રણ અપાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર પ્રાંગણમાં ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો. પ્રસંગે જિલ્લા એસપી, ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા. ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય રજૂ કરતા આ અન્નકૂટ ઉત્સવમાં રણછોડરાયજીના દરબારમાં ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતા.


Related Posts

Load more