ડભોઇ APMC ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, APMCના ચેરમેન સહિત 6 હોદ્દેદારો ભાજપમાં જોડાયા

By: nationgujarat
29 Oct, 2025

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષને એક મોટો ઝટકો લાગ્યો છે. ડભોઇ APMCના ચેરમેન સહિત કોંગ્રેસના 6 જેટલા મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.

ભાજપનો ખેસ પહેર્યો, કોંગ્રેસનો ગઢ ધરાશાયી
APMCના ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે, જે ડભોઇના રાજકારણમાં એક મોટી ઘટના ગણાય છે. દિલીપ પટેલનો ડભોઇ APMCમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી APMCની ચૂંટણીઓ લડતા આવ્યા હતા.

આ નિર્ણયથી ડભોઇ APMCમાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી થવાની સંભાવના છે. ચેરમેન દિલીપ પટેલની સાથે કોંગ્રેસના અન્ય અગ્રણી નેતા પ્રવીણ ટીંબી પણ ભાજપમાં જોડાયા છે. આ તમામ 6 હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ કરાવવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.

ભાજપે આપ્યા મેન્ડેટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, APMCના આ તમામ પૂર્વ કોંગ્રેસી હોદ્દેદારોને ભાજપે પક્ષમાં જોડીને તેમને મેન્ડેટ પણ આપી દીધા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી APMCની ચૂંટણીમાં આ તમામ નેતાઓ હવે ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડશે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના આટલા મોટા નેતાઓ અને હોદ્દેદારોના પક્ષપલટાથી ડભોઇ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે અને ભાજપને મોટો ફાયદો થયો છે.


Related Posts

Load more