ટ્રમ્પના નવા નિર્ણયે ભારતના ધબકારાં વધાર્યા, જેનેરિક દવાઓ પર 100 નહીં 200% ટેરિફ!

By: Nation Gujarat Team
22 Jul, 2026

Donald Trump Generic Medicine Tariff : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચિંતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે.

ટેરિફ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત અને સમયસીમા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનરિક દવાઓ પર લાદવામાં આવનારા ટેરિફ અંગે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 1 ઓગસ્ટ, 2026થી આગામી બે વર્ષ સુધી (ઓગસ્ટ 2028 સુધી) અમેરિકામાં આયાત થતી તમામ જેનરિક દવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે અને આયાત શુલ્ક શૂન્ય રહેશે.

જોકે, ઓગસ્ટ 2028થી આ નિયમોમાં મોટો બદલાવ આવશે. 2028થી પ્રથમ વર્ષ માટે જેનરિક દવાઓ પર ટેરિફ વધારીને 100% કરવામાં આવશે અને ત્યારબાદ તેને 200% સુધી કરી દેવાશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને કડક ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકામાં પોતાના ઉત્પાદન પ્લાન્ટ અને સાધનો ઊભા નહીં કરે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નીતિનો મુખ્ય હેતુ જેનરિક દવાઓનું ઉત્પાદન ફરીથી અમેરિકામાં જ શરૂ કરવાનો છે.

ભારત પર સૌથી વધુ અસર કેમ પડશે?

વિશ્વભરમાં ભારતને ‘ફાર્મસી ઑફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં ભારતે અમેરિકાને 9.7 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દવાઓ એક્સપોર્ટ કરી હતી, જે ભારતના કુલ 25.8 અબજ ડોલરના ગ્લોબલ ફાર્મા એક્સપોર્ટના 38% જેટલી હતી. ભારતથી અમેરિકા મોકલવામાં આવતી જેનરિક દવાઓમાં હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક સ્વાસ્થ્યને લગતી દવાઓ મુખ્ય છે.

B

જો જેનરિક દવાઓ પર 100થી 200% સુધીનો ટેરિફ લાગુ થશે તો આ દવાઓની કિંમતોમાં અતિશય વધારો થશે. આ નિર્ણયથી માત્ર ભારતીય કંપનીઓના નફા અને એક્સપોર્ટ પર જ અસર નહીં પડે, પરંતુ અમેરિકાના સામાન્ય દર્દીઓને પણ મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પડશે. જો ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સમયસર અમલી બનશે, તો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે બે મુખ્ય વિકલ્પો રહેશે— કાં તો તેમણે અમેરિકામાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા પડશે અથવા તો ભારે ટેરિફનો બોજ સહન કરીને અમેરિકન માર્કેટમાં ટકી રહેવાનો પ્રયાસ કરવો પડશે.


Related Posts

Load more