વન-ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ભારતીય ટીમ વર્લ્ડકપની ફાઇનલ મેચમાં વિજયી બનશે તો અમદાવાદમાં રોડ શો કરી શકે છે. ભારતીય ટીમ અમદાવાદમાં રોડ શો યોજી ચાહકોનું અભિવાદન ઝીલવા જઈ શકે છે. આ રોડ શોમાં ઓપન બસમાં બેસીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને આખી ટીમ લોકોની વચ્ચે જશે. સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ વિસ્તારમાં આ રોડ શો યોજે તેવી શક્યતા છે.
અગાઉ ભારતીય ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી,ગીલે પ્રેક્ટિસ કરી હતી. અન્ય રાજ્યોમાંથી આવેલા ક્રિકેટ રસિકોને નિરાશા હાથ લાગી રહી છે. મેચ જોવા માટે દિલ્હી અને કર્ણાટકથી લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે.
અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલને લઈ અમદાવાદ એરપોર્ટની SOP જાહેર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ હાઉસફુલ થતાં નજીકનાં શહેરોમાં એરક્રાફ્ટને પાર્ક કરાશે 15માંથી છ સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ છે. ઇવેન્ટ દરમિયાન રાત્રિ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડ સરળતાથી ઉપલબ્ધ છે. એરક્રાફ્ટના નોન-સ્ટાન્ડર્ડ પાર્કિંગ માટે એસઓપી તૈયાર કરાઈ છે. મોટાભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવશે. અમદાવાદના GA ટર્મિનલ ખાતે 100થી વધુ ચાર્ડર્ટ પ્લેન ઉતરશે. અમદાવાદ એરપોર્ટ પર 30-40 ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા છે. VVIP, સેલિબ્રિટીઝના ચાર્ટર્ડ પ્લેનને સુરત,રાજકોટ, વડોદરામાં પાર્કિંગની સુવિધા કરવામાં આવશે.
ભારતીય વાયુસેના એરોબેટિક ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે એર શો માટે પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે ટીમે સ્ટેડિયમમાં રિહર્સલ કર્યું હતું અને ફાઇનલ શો પહેલા શનિવારે રિહર્સલ પણ કરવામાં આવશે. આઈસીસીએ એર શોના રિહર્સલનો વીડિયો પણ શેર કર્યો છે.
પીઆરઓ અનુસાર, એરોબેટિક ટીમ ફાઈનલ મેચની શરૂઆત પહેલા 10 મિનિટ સુધી લોકોને રોમાંચિત કરશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા જગત પટેલે જણાવ્યું હતું કે, “હાલમાં ફાઇનલ મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે શુક્રવારે સ્ટેડિયમમાં રિહર્સલ રાખવામાં આવ્યું હતું.”