જો કોઈ મેડિકલ સ્ટોરમાં આ 3 કફ સિરપ દેખાય તો કરો ફરિયાદ, WHO એ જાહેર કરી ચેતવણી

By: nationgujarat
14 Oct, 2025
cough Syrups : ભેળસેળયુક્ત કફ સિરપ પીવાથી ભારતમાં 22 બાળકોના મૃત્યુને ધ્યાનમાં લેતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ત્રણ કફ સિરપ સામે ચેતવણી જાહેર કરી છે. આમાં આ ઝેરી કોલ્ડ્રિફ સિરપનો સમાવેશ થાય છે, જેના કારણે મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મૃત્યુ થયા હતા. WHO એ તમામ અધિકારીઓને દેશમાં ક્યાંય પણ આ સિરપ જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય એજન્સીને જાણ કરવા જણાવ્યું છે.
વૈશ્વિક આરોગ્ય એજન્સીએ શ્રીસન ફાર્માના કોલ્ડ્રિફ (Coldrif), રેડનેક્સ ફાર્માના રેસ્પિફ્રેશ TR (RespifreshTR) અને શેપ ફાર્માના રીલાઇફ (ReLife) સિરપના ચોક્કસ બેચને ભેળસેળયુક્ત તરીકે ગણાવ્યા છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, WHO જણાવ્યું કે, આ સિરપ આરોગ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે અને ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
તપાસમાં આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નામના ઝેરી રસાયણનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. આ રંગહીન અને ગંધહીન રસાયણનો ઉપયોગ સિરપને મીઠી બનાવવા માટે થાય છે. જોકે, તેનો ઉપોયગ માનવ વપરાશ માટે કરી શકાય નહીં.
ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત

ઉલ્લેખનીય છે કે, WHO ની આ ચેતવણી પહેલા ભારતમાં આ ત્રણ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ પણ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ને જાણ કરી હતી કે, ત્રણેય સિરપને તમામ મેડિકલ સ્ટોર્સમાંથી પાછા ખેંચી લેવામાં આવી છે અને ઉત્પાદકોને તેમનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે અગાઉ, CDSCO એ WHO ને જાણ કરી હતી કે, આમાંથી કોઈ પણ કફ સિરપ ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી નથી.
ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી

CDSCO એ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં મૃત્યુ પામેલા બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હતા, જેમણે કોલ્ડ્રિફ સિરપ પીવડાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, સિરપમાં માન્ય મર્યાદા કરતાં 500 ટકા વધુ ડાયથિલિન ગ્લાયકોલ હતું. જોકે, ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં તેમને કફ સિરપ લખતા પહેલા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે, અને એ પણ કહેવામાં આવ્યું છે કે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સામાન્ય રીતે સૂચવવામાં ન આવતા સિરપ કોઈપણ કિંમતે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવા જોઈએ.
આ ત્રણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ

કોલ્ડ્રિફનું ઉત્પાદન તમિલનાડુ સ્થિત ઉત્પાદક શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, સિરપમાં 48.6% ડાયથિલિન ગ્લાયકોલ હતું, જે ભારતીય સત્તાવાળાઓ અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) બંને દ્વારા નિર્ધારિત 0.1% ની માન્ય મર્યાદા કરતાં ઘણું વધારે છે. આ ઉપરાંત, ગુજરાતમાં રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત રેસ્પિફ્રેશ TR કફ સિરપમાં 1.342 ટકા DEG અને ગુજરાતમાં શેપ ફાર્મા દ્વારા ઉત્પાદિત રીલાઇફ કફ સિરપમાં પણ 0.616 ટકા DEG હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts

Load more