જૂનાગઢમાં એક મહિનામાં 600 લોકોને હડકવા વિરોધી રસી અપાઈ, આ 8 જગ્યાએ છે મફત રસી આપતા સેન્ટર

By: Nation Gujarat Team
06 Aug, 2026

જૂનાગઢ: જુલાઈ 2026ના એક મહિનામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કુલ 600 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 150 અને સિવિલ હોસ્પિટલમાં 450 લોકોનો સમાવેશ થાય છે. જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં હડકવા વિરોધી રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

એક મહિનામાં 600 લોકોને હડકવા વિરોધી રસી અપાઈ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલમાં જુલાઈ 2026ના એક મહિના દરમિયાન કુલ 600 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં, જ્યાં સમગ્ર જિલ્લાના દર્દીઓ આવતા હોય છે, ત્યાં 450 દર્દીઓને કૂતરા કરડ્યા બાદ હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પણ 150થી વધુ લોકોને કૂતરા કરડ્યા બાદ હડકવા વિરોધી રસી આપીને તેમને સંભવિત હડકવાના રોગથી સુરક્ષિત કરાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડૉ. રવિ ડેડાણીયાએ આપેલી વિગતો અનુસાર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા આઠ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ગત મહિના દરમિયાન 150થી વધુ લોકોને કૂતરા કરડ્યા બાદ રસી આપવામાં આવી છે. તેવી જ રીતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ 450 દર્દીઓ, જે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી આવ્યા હતા, તેમને પણ કૂતરા કરડ્યા બાદ હડકવા વિરોધી રસી આપવામાં આવી છે.

જૂનાગઢ શહેરમાં આવેલા રસીકરણ કેન્દ્રો

જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે 24 કલાક કૂતરા કરડ્યા બાદ હડકવા વિરોધી રસી આપવાની કામગીરી થઈ રહી છે.

આ સિવાય જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટીંબાવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શાન્તેશ્વર, ખામધ્રોળ, ગણેશ નગર, આંબેડકર નગર, ગાંધીગ્રામ, ભવનાથ અને દોલતપરામાં આવેલા આઠ કેન્દ્રોમાં સવારે 9થી બપોરના 1 અને સાંજે 4થી 6 દરમિયાન હડકવા વિરોધી રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ટીંબાવાડીમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી 24 કલાક આપવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.


Related Posts

Load more