સુરત શહેરમાં ઝડપાયેલા આરોપીઓને રસ્તા પર દોરડાથી બાંધીને ફેરવવા, જાહેરમાં લાકડીઓ અને લાફા મારી સરઘસ કાઢવાના બહુચર્ચિત કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત સખત રૂખ અપનાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાયદાકીય કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે SOG DCP રાજદીપસિંહ નકુમ જેવા ઉચ્ચ અધિકારી તે જ હોદ્દા પર રહેશે તો નિષ્પક્ષ તપાસ શક્ય નથી, તેથી તેમની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવે.
સુઓમોટો અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી
તાજેતરમાં સુરતમાં આરોપીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા જાહેર અત્યાચારનો વીડિયો વાયરલ થયા બાદ હાઈકોર્ટે સુઓમોટો લઈને કેસ દાખલ કર્યો હતો. 14 ઓગસ્ટના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે ઘટનાની ગંભીરતા નોંધતા પોલીસ તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. 14 જુલાઈ અને 15 જુલાઈના રોજ ગાંધીનગર ડાયરેક્ટર જનરલ (DGP) કચેરીથી સુરત એડિશનલ કમિશનર કચેરીને મોકલવામાં આવેલી અરજી અને સૂચનાઓનો સુનાવણી દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના મહત્વપૂર્ણ અવલોકનો
ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણી શરૂ થતાં જ પૂછ્યું કે સંબંધિત અધિકારી અત્યારે ક્યાં છે અને તેમની ટ્રાન્સફર કેમ કરવામાં આવી નથી? કેસમાં પોલીસ કર્મચારીઓ જ સાક્ષી છે, જેઓ પોતાના સિનિયર અધિકારી સામે બોલી શકતા નથી. જો સિનિયર અધિકારી પોતે આવું કૃત્ય કરે તો તે જરાય ન ચાલે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે તમે પ્રિલિમનરી રિપોર્ટ આપો, પરંતુ પહેલા આ અધિકારીની ટ્રાન્સફર કરો. ઘટનાની ગંભીરતા કેટલી છે તે જોઈને જ આગળની કાર્યવાહી થવી જોઈએ.
સરકારી વકીલની રજૂઆત
સુનાવણી દરમિયાન સરકારી વકીલે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે કોર્ટ પોતાના હુકમમાં બદલી અંગે કોઈ સત્તાવાર નોંધ ન લે, સરકાર પોતે આ બાબતની ગંભીરતા સમજીને યોગ્ય કાયદાકીય અને વહીવટી પગલાં લેશે. DGPના આદેશથી સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી (ક્રાઈમ)ને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને વીડિયોમાં દેખાતા તમામ લોકો તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
જોકે, હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર પ્રાથમિક તપાસ છે. ડીસીપી પોતે ઘટનાસ્થળે હાજર હતા અને વીડિયો સાર્વજનિક રૂપે વાયરલ થયો હોવાથી ઘટના બની હોવાનો ઈનકાર થઈ શકે નહીં. જો ઉચ્ચ અધિકારી તે જ સ્થાને રહેશે તો નીચલા સ્તરના કર્મચારીઓ તેમની સામે નિવેદન આપવાની હિંમત કરી શકશે નહીં. સરકારી વકીલે આગામી શુક્રવાર સુધીમાં સરકાર દ્વારા લેવાયેલાં કડક પગલાં અંગેનો રિપોર્ટ રજૂ કરવાની ખાતરી આપતાં હાઈકોર્ટે વધુ સુનાવણી આગામી શુક્રવાર પર મુલતવી રાખી છે.
કોર્ટ મિત્ર દ્વારા માર્ગદર્શિકાનો ઉલ્લેખ
સુનાવણી દરમિયાન કોર્ટ મિત્ર દ્વારા પીડિતોના માનવાધિકારો અને કાનૂની નિયમો સંદર્ભે મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે આરોપીઓની કસ્ટડી અને ધરપકડ અંગે ૨૦૧૯ સહિત અગાઉ બે મહત્વપૂર્ણ સરક્યુલર બહાર પાડવામાં આવેલા છે. આ નિયમો અનુસાર આરોપીઓને દોરડાથી બાંધવા કે રસ્તા પર સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ છે. કારણ વગર હાથકડી પહેરાવવી કે જનતા સામે પ્રદર્શન કરવું ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટ અને DGPના પરિપત્રોનું ઉલ્લંઘન કરનાર અધિકારી સામે શિસ્તભંગના પગલાં લેવાની જોગવાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપીઓને પાઠ ભણાવવાના અને કાયદાનો ભય બતાવવાના નામે SOG DCP રાજદીપસિંહ નકુમે સર્વોચ્ચ અદાલત અને DGPના સ્પષ્ટ આદેશોનો અનાદર કર્યો હતો. DCPની આગેવાનીમાં જાહેર રસ્તા પર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રસ્તામાં થોડે-થોડે અંતરે આરોપીઓને ઉભા રાખીને, તેમના વાળ પકડી લાફા મારવામાં આવ્યા હતા અને લાકડીઓથી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર સરઘસ દરમિયાન ડીસીપીએ પોતે આરોપીઓ પર ૨૫થી વધુ લાકડીના ઘા ઝીંક્યા હોવાનું વાયરલ વીડિયોમાં અને સ્થાનિક અહેવાલોમાં સામે આવ્યું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચકચાર મચી ગઈ હતી અને માનવ અધિકાર ભંગ અંગે ગંભીર સવાલો ઉભા થયા હતા, જેના પરિણામે ગુજરાત હાઈકોર્ટે આ બાબતે કડક વલણ અપનાવીને સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. મામલાની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.