ડાયમંડ સિટી સુરતમાં સિટીલિંક બસો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે કોઈ ટેકનિકલ ખામી કે અકસ્માત નહીં, પણ મહિલા મુસાફરો વચ્ચે થયેલા ‘યુદ્ધ’ને કારણે આ બસ ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં બસ નંબર 104માં સીટ પર બેસવા જેવી મામૂલી બાબતે બે મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
ચાલુ બસે જામ્યો ‘જંગ’
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં રૂટ નંબર 104ની બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે સીટ પર બેસવા માટે મહિલાઓ વચ્ચે બબાબલ શરૂ થઈ હતી. ત્યારબાદ વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાઓ મર્યાદા ભૂલીને એકબીજા સાથે છૂટાહાથની મારામારી કરવા લાગી હતી. ચાલુ બસે મહિલાઓ રણચંડી બનીને બાખડી પડતા અન્ય મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. બસની અંદર સર્જાયેલા આ હંગામાને કારણે ડ્રાઈવરને અધવચ્ચે બસ રોકવાની ફરજ પડી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, અંતે પોલીસને બોલાવવી પડી
જ્યારે મહિલાઓ બાખડી રહી હતી, ત્યારે બસમાં સવાર અન્ય મુસાફરોએ આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ એકબીજા પર હુમલો કરી રહી છે અને બસમાં ભારે દેકારો મચી ગયો છે. બસ રોક્યા બાદ મુસાફરો અને કંડક્ટરે મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ એકબીજાને છોડવા તૈયાર નહોતી. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને પક્ષોને છૂટા પાડ્યા હતા.
નોંધનીય છે કે, સુરતની આ ઘટનાએ જાહેર પરિવહનમાં મુસાફરોની સહનશીલતા પર પણ સવાલો ઉભા કર્યા છે. હાલ આ મારામારીનો વીડિયો સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.