જંબુસરના દરિયામાં બોટ પલટી,30 કામદારોને બચાવાયા, એકનું મોત

By: Nation Gujarat Team
07 Dec, 2025

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 30 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી.

ઓઈલના સર્વે માટે કામદારોને લઈ બોટ જઈ રહી હતી દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પલટી ગયેલી બોટમાંથી 30 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક કામદારનું મોત થયું છે. ONGC કંપનીના ઓઈલના સર્વે માટે કામદારોને લઈ બોટ જઈ રહી હતી. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની બોટ પલટી હતી.

બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા જંબુસરના આસરસા ગામે ગતરોજ મોટો અકસ્માત સર્જાયો હતો. બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં રોહિત મકવાણાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ મળી છે. જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાની માહિતી મળી રહી છે. આ લોકો દરરોજ આસરસાથી સામેના કાંઠે ગાંધાર–મુલેર તરફ બોટ દ્વારા અવર જવર કરતા હતા.

બોટ નિકળવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક પલટી ગઈ આ અંગે બોટમાં સવાર ગોપાલ દાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, બોટ નિકળવાની તૈયારીમાં હતી. ત્યાર બોટ અચાનક હલવા લાગી હતી. લંગર લેવાની તૈયારી હતી તે દરમિયાન જ અચાનક બોટ પલટી ગઈ હતી. બોટમાં 10 થી 15 લોકો સવાર હતા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, મને વધારે કઈ ખબર નથી. બોટમાં ગુજરાતી, આસામ અને બંગાળના લોકો સવાર હતા.

પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાંઃ મૃતકનો પુત્ર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકના પુત્ર પ્રતીકે જણાવ્યું હતું કે, પાણીની ભરતી આવી એટલે 50થી 60 લોકો બોટમાં ચઢી ગયાં હતા, જેથી બોટ પલટી જ ગઈ હતી. જેમાં મારા પિતાનું મોત થઈ ગયું છે. હજી તો બે દિવસથી જ કામ શરૂ થયું છે. કોઈએ લાઈફ જેકેટ પહેર્યા ન હતા. બીજા એક અમારા ગામના નરેશ રાઠોડ પણ મળી રહ્યા નથી.

ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ડી.કે. સ્વામી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more