ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસ્યો,RPF જવાનોની સતર્કતાથી જીવ બચ્યો

By: Nation Gujarat Team
28 Feb, 2026

જ્યારે તમે નિયમ તોડો છો ત્યારે એ તમારા માટે ચોક્કસથી જોખમ ઊભું કરે છે. આપણે એવું ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યુ હશે કે ચાલુ ટ્રેન-બસમાં ચઢવાથી જીવ જોખમમાં મુકાઈ શકે છે, પણ આનું પાલન કેટલા લોકો કરતા હશે? એ એક સંશોધનનો વિષય છે, ત્યારે ચાલુ ટ્રેનમાં ચઢવું કેટલું જોખમી હોઈ શકે એવું દર્શાવતા એક CCTV સામે આવ્યા છે.

ગઇકાલે(27 ફેબ્રુઆરી) અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસી ગયો હતો. આ મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ફસાઈ ગયો હતો. સદનસીબે ત્યાં હાજર RPFના જવાનોની સમયસૂચકતાએ તેને બચાવી લીધો અને એક મોટી દુર્ઘટના ટળી હતી.

RPFના જવાનોની સમયસૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે ત્યારે કોઈ એક મુસાફર પહેલા ટ્રેનમાં ચડી જાય છે. ત્યાર બાદ આ મુસાફર પણ ચડવા જતાં ટ્રેનની સ્પીડ વધી જતાં એ પોતાનું બેલેન્સ ગુમાવી દેતાં ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતાં તાત્કાલિક ત્યાં હાજર RPFના જવાનોની નજર પડતાં તરત જ દોડીને તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી દૂર ખેંચી લીધો હતો અને તેનો જીવ બચાવ્યો હતો.

પ્લેટફોર્મ નં-5 પર એક મુસાફર ચઢવા જતાં બેલેન્સ ગુમાવી બેઠો ગઈકાલે રાત્રે આશરે 10:30 કલાકે પ્લેટફોર્મ નંબર 5 પરથી ટ્રેન નંબર 12297 રવાના થઈ રહી હતી, ત્યારે ચન્ના ગોવિંદભાઈ નામના 36 વર્ષીય એક મુસાફર ચાલુ ટ્રેને જનરલ કોચમાં ચઢવા જતાં તેનું બેલેન્સ ગુમાવી બેઠો હતો.

RPFના જવાનોએ મુસાફરને ખેંચી લીધો આ દરમિયાન પ્લેટફોર્મ પર તહેનાત CPDS ટીમના કોન્સ્ટેબલ પુરનમલ સમોતા અને છોટુલાલે પોતાની સતર્કતાથી આ મુસાફરને બચાવી લીધો હતો. બંને જવાનોએ તાત્કાલિક દોડી જઈને મુસાફરને ખેંચી લીધો હતો.

મુસાફરનો પુત્ર ICUમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચઢવા જતાં પડી ગયા હતા, કોન્સ્ટેબલની સતર્કતાથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.


Related Posts

Load more