યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો છે. ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરી અશ્લીલ રીલ બનાવી. અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો છે. તો ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે.
ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. એક તરફ પાવન નવરાત્રિ ચાલી રહી છે, તેવા સમયે સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં અસંસ્કારી હરકત સામે આવી છે. વડોદરામાં આયોજીત યુનાઈટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમા એક કપલ ચાલુ ગરબામાં અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યું. ગરબાના નામે એક યુગલ અશ્લીલ હરકતો કરવા લાગ્યું. એટલું જ નહીં પરંતુ તેઓ જાણે એક મહાન કામ કરતા હોય તેવી રીતે આવી હરકતનો વીડિયો પણ બનાવ્યો. આ કપલે જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું. આ સાથે આવી ફિટકારજનક હરકતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. રિલ્સબાજ આ યુવક યુવતીને એટલું પણ ભાન નથી કે, તેઓ માતાની આરાધના કરવા ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવવા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. પવિત્ર તહેવાર નવરાત્રિમાં આવી હરકત સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
તો બીજી તરફ, યુનાઈટેડ વે વાયરલ વીડિયો મામલે પોલીસે વીડિયો બનાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
ભગવા સેનાની પ્રતિક્રીયા
નવરાત્રિ દરમિયાન આમે આવેલી વિવિધ ઘટનાઓને લઈને ભગવા સેનાની પ્રતિક્રીયા આવી છે. વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં વાયરલ થયેલ કપલની ચુંબનની રિલ્સ પર પ્રતિક્રિયા આપતા ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું કે, આવા લોકો સામે કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ. એ કપલે જો આવું કરવું હોય તો ધર્મ બદલી લે. આવું ચાલશે તો આવનાર દિવસોમાં ગરબા જ નહીં થાય. તેમજ આયોજકો સામે પણ પગલાં ભરવા જોઈએ. તાજેતરમાં ગોધરા અને બહિયલ ગામ બનેલી ઘટના અંગે કમલ રાવલે કહ્યું કે, બહિયલમાં I લવ મહાદેવ કહ્યું તો શુ ખોટું કહ્યું. મુસ્લિમ ને હિન્દુઓનો તહેવાર નથી ગમતો. બહિયલમાં વિધર્મીઓએ માતાજીની પાછળ પથ્થરમારો કર્યો અને હિન્દુની દુકાનમાં આગ લગાવી અને કારમાં તોડફોડ કરી. આ આપણા હિન્દુ સમુદાય માટે એક દુ:ખદ ઘટના છે. હિન્દુઓ ન્યાયને પાત્ર છે અને ગુનેગારોને કડક સજા થવી જોઈએ. ખાસ કરીને નવરાત્રિના શુભ તહેવાર દરમિયાન બનેલી ઘટનામાં કડક કાર્યવાહીની અમારી માંગ છે. અમે ગૃહમંત્રીને રજુઆત કરી છે આ કોમર્શિયલ વ્યાપાર થઈ રહ્યો છે તે બંધ કરાવો. આ ભક્તિનો તહેવાર છે જ્યાં સમય મર્યાદા 12 વાગ્યાની જ હોવી જોઈએ. નવરાત્રિમાં લોકો અસુરક્ષિત માની રહ્યાં છે.