રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે, અરવલ્લીથી સામે આવેલા કેસ બાદ રાજ્યમાં ગામડે ગામડે આ રોગના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા બાદ હવે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ગામોમાં પણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યાં છે, અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 15 સુધી પહોંચી ચૂક્યા છે અને હજુ પણ વધવાની શક્યતા છે. જાણો અહીં હાલમાં રાજ્યમાં શું છે ચાંદીપુરા વાયરસની સ્થિતિ…
રાજ્યમાં ચાંદીપુરાનો કહેર યથાવત છે, તાજા અપડેટ પ્રમાણે, હાલમાં ગુજરાતમાં ચાંદીપુરાથી 15 બાળકોના મૃત્યુ થયા છે. રાજ્યમા અત્યારે કુલ 26 કેસો નોંધાયા છે અને 15 બાળકો સારવાર હેઠળ છે. આ ઉપરાંત 25 બાળકોના સેમ્પલ લઈ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત છે. ખાસ વાત છે કે, અમદાવાદ સિવિલમાં ચાંદીપુરાના 6 બાળકો દર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરાને ધ્યાનમાં લઇને 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 724 લોકોનું સર્વેલંસ કરવામાં આવ્યુ છે.
ચાંદીપુરા અંગે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના અંદાજે ત્રીસથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પુરજોશમાં ચાલુ છે.
ચાંદીપુરા વાયરસ અંગે –
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 8 મૃત્યું નોંધાયા છે. આ મોતમાં સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.
ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર –
– ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
– જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ.
– ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
– ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
– આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.