ગૌરવની વાત: T20 વર્લ્ડ કપ 2026માં લહેરાશે સુરતમાં તૈયાર થયેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ

By: Nation Gujarat Team
06 Feb, 2026
સુરત: આવનારા ટી-20 વર્લ્ડ કપ 2026 પહેલા આ ક્રિકેટ મેચ મુદ્દે સુરત શહેરે વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે. વિશ્વના 20 દેશો આ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે, આ મેગા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેદાનો પર લહેરાવાનારા આ તમામ 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આ સિદ્ધિ સુરત માટે ગૌરવની ક્ષણ બની છે અને સાથે સાથે સ્થાનિક કાપડ ઉદ્યોગ માટે મોટો વ્યાપારિક અવસર સાબિત થઈ રહી છે.
આવતીકાલથી 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટે દરેક દેશના 35 બાય 20 ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજ સુરતમાં તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ રાષ્ટ્રધ્વજ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા છે, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ રાષ્ટ્રધ્વજ બનાવતી વખતે ઉપયોગમાં લેવાયેલ કાચો માલ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી તૈયાર કરાયેલ ફેબ્રિક છે.
આ ધ્વજ માત્ર એક વખત ઉપયોગ માટે નહીં પરંતુ તેને ફરીથી રિસાયકલ કરીને નવા ધ્વજ અથવા અન્ય કપડાં બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. આ પહેલથી સુરતનું ટેક્સટાઈલ ઉદ્યોગ ગ્રીન અને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપને કારણે સુરતના કાપડ ઉદ્યોગને અંદાજે રૂ. 100 કરોડથી વધુનો વેપાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રધ્વજ ઉપરાંત ટી-શર્ટ, કેપ, સ્પોર્ટ્સવેર અને અન્ય ક્લોથીંગ એસેસરીઝના મોટા પાયે ઓર્ડરો સુરતને મળ્યા છે. આ ઓર્ડરોના કારણે પાવરલૂમ, પ્રોસેસિંગ યુનિટ, પ્રિન્ટિંગ, ડાઈંગ અને પેકેજિંગ સાથે જોડાયેલા હજારો કામદારોને રોજગાર મળશે. આમ સુરત શહેર ધીમે ધીમે ક્રિકેટ સાથે એક અલગ જ રીતે જોડાઈ રહ્યું છે. IPL હોય કે હવે ટી-20 વર્લ્ડ કપ, દરેક મોટા ક્રિકેટ ઇવેન્ટમાં સુરતનું નામ કોઈને કોઈ રીતે જોડાતું જઈ રહ્યું છે.
વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ તૈયાર કરનાર ઉદ્યોગકાર પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, “છેલ્લા બે-ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો માટે બનતા વિશાળ રાષ્ટ્રધ્વજ સુરતમાં બની રહ્યા છે. અગાઉ આ કામ ભારતની બહાર થતું હતું, પરંતુ હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. આ આપણા માટે ગૌરવની બાબત છે.”

કપડાં, સ્પોર્ટ્સવેર અને રાષ્ટ્રધ્વજના ઉત્પાદન દ્વારા સુરત હવે ક્રિકેટ અર્થતંત્રનો મહત્વનો ભાગ બની રહ્યું છે. ત્યારે આવતીકાલે 7 ફેબ્રુઆરીએ જ્યારે ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થશે અને વિશ્વના અલગ અલગ દેશોના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, ત્યારે લહેરાતા રાષ્ટ્રધ્વજ સુરતમાં બનેલા હોવાનો ગર્વ સમગ્ર સુરતવાસીઓને થશે. આ વર્લ્ડ કપ માત્ર ક્રિકેટનો ઉત્સવ નહીં, પરંતુ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વિકાસ, રોજગાર અને વૈશ્વિક ઓળખનું પ્રતીક બની રહેશે.

Related Posts

Load more