ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફરી રહ્યા છે. ગૌતમ ગંભીર અંગત કારણોસર ભારત આવવાનો છે. જોકે, ગૌતમ ગંભીર 6 ડિસેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં ફરી જોડાશે. એડિલેડમાં બંને ટીમો વચ્ચે પિન્ક બોલથી ડે-નાઈટ ટેસ્ટ રમાશે. આ પહેલા ભારતે 30 નવેમ્બરથી બે દિવસીય વોર્મ-અપ મેચ રમવાની છે, જે 30 નવેમ્બરથી કેનબેરામાં રમાશે. ભારતીય ટીમ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પાંચ મેચોની શ્રેણીમાં 1-0થી આગળ છે.
બીસીસીઆઈના એક સૂત્રએ સ્પોર્ટ્સ તકને જણાવ્યું કે, ગંભીરે અમને જાણ કરી છે અને તે ભારત પરત આવી રહ્યો છે અને બીજી ટેસ્ટની શરૂઆત પહેલા ટીમ સાથે જોડાશે. તેણે અંગત કારણો આપ્યા છે અને બીસીસીઆઈએ તેની વિનંતી સ્વીકારી છે. ભારતીય ટીમ વોર્મ-અપ મેચ માટે 27મી નવેમ્બરે પર્થથી કેનબેરા માટે રવાના થશે. ગંભીરની ગેરહાજરીમાં બાકીના સપોર્ટ સ્ટાફ ટ્રેનિંગ સેશનની સંભાળ લેશે. જેમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ડેન દુસ્ખાતે, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો સમાવેશ થાય છે.
કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. તેણે 25 નવેમ્બરથી પર્થમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. બીજી વખત પિતા બનવાના કારણે તે પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. રોહિત 24 નવેમ્બરની સાંજે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. આ પછી જ્યારે ભારતીય ટીમ પર્થ ટેસ્ટમાં જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે તેનો ગુલાબી બોલથી રિઝર્વ ફાસ્ટ બોલર નવદીપ સૈની, યશ દયાલ અને મુકેશ કુમારનો સામનો કર્યો હતો. અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પણ થોડો સમય તેની પાસે બોલિંગ કરી હતી.
ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને કેએલ રાહુલના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાને પર્થ સ્ટેડિયમમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો.