ગોંડલની શ્રી રામ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ , માતા અને નવજાતનું મોત

By: Nation Gujarat Team
22 Mar, 2026
  • Gondal: “ગંભીર લાપરવાહીએ બે જિંદગીઓનો ભોગ લીધો”
  • માતા અને નવજાત શિશુનો અંતિમ સંગાથના હૃદયદ્રાવક
  • 3 વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી
Gondal: ગોંડલ તાલુકાના વાછરા (Vachhra) ગામે રહેતા એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ (Shree Ram Sarvajanik Hospital)માં ડિલિવરી દરમિયાન 30 વર્ષીય માતા અને નવજાત બાળકનું કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.

Gondal: પરિવારને સમયસર જાણ ન કર્યાના આક્ષેપ

મળતી જાણકારી અનુસાર વાછરા ગામના 30 વર્ષિય લક્ષ્મીબેન સુનિલભાઈ સોલંકી (Laxmiben Sunilbhai Solanki) ને 20 તારીખે સવારે 10 વાગ્યાની આસપાસ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પરિવારના જણાવ્યા અનુસાર, ગાયનેકોલોજિસ્ટ ડો. પૂજા પરમારે રિપોર્ટ તપાસ્યા બાદ માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું આજે વહેલી સવારે 3 વાગ્યે લક્ષ્મીબેનને અસહ્ય દુખાવો ઉપડ્યો ત્યારે સ્થળ પર કોઈ ડોક્ટર હાજર નહોતા. જ્યારે સાસુ સુમિતાબેને સ્ટાફને ડોક્ટર વિશે પૂછ્યું, ત્યારે સ્ટાફે ઉતાવળે ડોક્ટરને જાણ કરી હતી. ડિલિવરી રૂમમાં લઈ ગયા બાદ નવજાત બાળક મૃત જન્મ્યું હોવા છતાં પરિવારને સમયસર જાણ કરવામાં આવી નહોતી. ત્યારબાદ માતાની તબિયત લથડતા ટૂંકી સારવાર બાદ તેમનું પણ મોત નીપજ્યું હતું.

હૃદયદ્રાવક દ્રશ્યો

ગોંડલ સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમમાં કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃતક બાળકને તેની માતાના જમણી બાજુના પડખામાં સુવડાવવામાં આવ્યું હતું. માતા અને સંતાનનો આ અંતિમ સંગાથ જોઈ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
આ કરૂણાંતિકાને કારણે 3 વર્ષની માસૂમ દીકરીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.

ન્યાયની માંગ

બનાવની જાણ થતા જ અનુસૂચિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી પી.એમ. સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આખરે, ઘટનાની ગંભીરતા જોતા માતા અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો ડોક્ટર સમયસર હાજર હોત અને સ્ટાફે બેદરકારી ન દાખવી હોત, તો આજે માતા અને બાળક બંને જીવિત હોત.

Related Posts

Load more