ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરી દેવાઈ છે. 16 ઓક્ટોબર ગુરુવારે 16 મંત્રીએ રાજીનામા ધરી દીધા બાદ આજે સવારે (17 ઓક્ટોબર) 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. આ પહેલાં ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.

રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા
સંભવિત મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક મળવાની સંભાવના છે, જેમને નવા ચહેરાઓ સાથે સમાવી લેવાશે, જેનાથી મંત્રીમંડળનું કદ વધશે. લગભગ 10 જેટલા નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી. મંત્રીમંડળમાં સામેલ થનાર ધારાસભ્યોને ફોનના માધ્યમથી જાણકારી આપી દેવાઈ હોવાની પણ ચર્ચા છે.
ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ
સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાઓને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.