ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા નોટિફિકેશન બહાર પાડીને આજે પહેલી મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ બહાર પાડ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતી વખતે કહ્યું હતું કે તેઓ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે દરેક શક્ય પગલું ભરશે.
ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવ હટાવ્યા
ચૂંટણી પંચે ગુજરાતના ગૃહ સચિવ સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989ની બેચના આઈએએસ અધિકારી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડન ગૃહ સચિવોને પણ હટાવવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વિભાગના સચિવને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી કડક સંદેશ જાય છે કે લોકસભા ચૂંટણી 2024નું આયોજન સમાન સ્તર પર કરવામાં આવશે.
ચૂંટણી પંચે આ ઉપરાંત રાજ્ય સરકારોને એવા બધા અધિકારીઓની તરત ટ્રાન્સફર કરવાનું જણાવ્યું છે જે પોતાના ગૃહ જિલ્લામાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા હોય. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધૂના નેતૃત્વમાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેઓ રાજ્યમાં બે-બે વિભાગનો ચાર્જ સંભાળી રહ્યા હતા. જે ચૂંટણી પ્રક્રિયા માટે યોગ્ય ન હતો.
બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવા માટે પણ પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી વખતે પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી.