લાંબા સમયથી ચાલતી આતુરતાનો અંત આવ્યો છે. સી.આર. પાટીલ પછી ગુજરાત ભાજપનું સુકાન કોને? આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે. અમદાવાદની નિકોલ બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષપદ સોંપાયું છે.
સી.આર. પાટીલ પછી ગુજરાત ભાજપનું સુકાન કોને?
52 વર્ષીય વિશ્વકર્માએ વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા. જો કે, ભાજપ સત્તાવાર જાહેરાત આવતીકાલે કરશે અને આવતીકાલે જ વિશ્વકર્મા શપથગ્રહણ કરશે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા?
મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી, અહીંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી, સરકારમાં MSME, વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા. નિર્વિવાદી અને યુવા ચહેરા પર દિલ્લી હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી છે.
વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે. આ ચૂંટણીમાં વિશ્વકર્માની પરીક્ષા થશે. તો આ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જગદીશ વિશ્વકર્માની અગ્નિપરીક્ષા સાબિત થશે. પાટીલે ભાજપને જે ઊંચાઈ પર પહોંચાડ્યું છે તે સ્થાન વિશ્વકર્મા કેટલું જાળવી રાખે છે તે જોવાનું રહ્યું.