ગુજરાત ભાજપના નવા સુકાની: સૌથી ધનિક ધારાસભ્યોમાંથી એક જગદીશ વિશ્વકર્માએ ભર્યું પ્રમુખ પદ માટેનું ફોર્મ

By: nationgujarat
03 Oct, 2025
ગાંધીનગર: ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન આજે યોજાયું છે. આજે ગાંધીનગરના કમલમમાં ભાજપના મંત્રી જગદીશ પંચાલે (વિશ્વકર્મા) ફોર્મ ભર્યું છે. જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાત આવતીકાલે એટલે કે, ચાર ઓક્ટોબરે કરવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમની સાથે, ભાજપે ચૂંટણી માટે મતદાર યાદી અને નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની ચૂંટણી માટે રાજ્ય પરિષદના પ્રતિનિધિઓની પણ જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી પંચાલના નામને લીલીઝંડી

જગદીશ પંચાલે ફોર્મ ભરતા રાજકારણની અનેક વાતો પર મહોર વાગી ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ માટે OBC ચહેરો નક્કી થઈ ગયો છે. જગદીશ વિશ્વકર્માનું પ્રમુખ બનવાનું મોટાભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જગદીશ પંચાલના નામને લીલીઝંડી મળી ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, જગદીશ પંચાલ OBC સમાજમાંથી આવે છે. જેથી ભાજપના જ્ઞાતિગત સમીકરણોમાં વિશ્વકર્મા સૌથી ફીટ માનવામાં આવી રહ્યા છે. પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા ગુજરાત માટે હાલ ચર્ચાઈ રહી છે.
શનિવારે સત્તાવાર જાહેરાત

આજે સવારે બપોરે બે વાગ્યા સુધી નામાંકન માટેની પ્રક્રિયા હાથ ધરાશે. બપોરે 3.30થી 4 વાગ્યા સુધીમાં નામાંકનની ચકાસણી કરવામાં આવશે. સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. ચોથી ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા?

જગદીશ વિશ્વકર્મા હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેઓ OBC સમાજમાંથી આવે છે અને ભાજપ સંગઠનમાં એક દિગ્ગજ નેતા તરીકેની ગણના થાય છે. તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે. રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક સમન્વય છે. વર્તમાનમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યાં છે. નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેવો ધારાસભ્ય બન્યાં છે. મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સાથે નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે.

Related Posts

Load more