Gujarat Police : પોલીસની વાત આવે એટલે બહુચર્ચિત ફિલ્મ શોલેનો ડાયલોગ યાદ આવી જાય. હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ. આ વાક્ય મહદઅંશે આજે પણ યોગ્ય લાગે છે. કારણ કે, ગુજરાત પોલીસ બ્રિટિશકાળથી ચાલી આવતો ખાખી કલરની વર્દી પહેરે છે. હવે સમય આવી ગયો બદલાવનો. ગુજરાત પોલીસની છબીની સાથે હવે યુનિફોર્મ બદલવાની પણ જરૂર પડી છે. અંગ્રેજોના સમયની ગુજરાત પોલીસની યુનિફોર્મમાં હવે ફેરફારૉ કરાશે. ગાંધીનગર સહિત પાંચ જિલ્લાના 7 હજાર પોલીસકર્મીનો સર્વે કરાયો છે. ત્યારે હવે જલ્દી જ ગુજરાત પોલીસના જવાનો નવા રૂપ-રંગમાં જોવા મળશે.
પોલીસનો યુનિફોર્મ કેટલો જૂનો
1847 થી ભારતીય પોલીસ ખાખી રંગની વર્દી પહેરે છે. જે અંગ્રેજોના જમાનાનો ડ્રેસ છે. પોલીસની ઓળખ એટલે ખાખી વર્દી. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડર્નાનાઇઝેશન દ્વારા આ અગાઉ પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરાઈ હતી. ખાખી રંગ અસલમાં ધૂળ-માટીનો રંગ છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી. એ જ સમયથી ભારતીય પોલીસમાં ખાખી રંગની વરદી સામેલ થઈ. બસ, ત્યારથી આ વર્દી પોલીસની ઓળખ બની ગઈ.
ખાખી વર્દી બદલવા માટે મોટાપાયે સરવે કરાયો છે. જાણીતી અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. જેમાં 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કનાં 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ પાસેથી તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ સરવેના આધારે યુનિફોર્મની ખાસ ડિઝાઈન તૈયાર કરાઈ છે. સરકાર દ્વારા ગ્રીન સિગ્નલ મળે એટલે પોલીસ નવી વર્દીમાં સજ્જ હશે. સર્વેના પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીના છ વિદ્યાર્થી સાથે સતત ત્રણ મહિના ઓનલાઇન અને ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો છે.
હાલ પોલીસનો જે યુનિફોર્મ છે તે ખૂબ જ ચુસ્ત અને ટાઈટ છે. પેન્ટ પહેરી રાખવામાં પણ તકલીફ પડે છે. જવાનોને દિવસરાત ફરજ બજાવવાની હોય છએ, આવામાં આ યુનિફોર્મમાં ફરજ બજાવવી અઘરી પડે છે. ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓને અગવડતા પડે છે. મહિલા કર્મચારીઓ માટે આ વર્દી અનકમ્ફર્ટેબલ લાગે છે. ખાસ કરીને, પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સને કારણે થતા બદલાવના સમયે. તેથી હવે મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વરદી પહેરી શકે એ પ્રકારની ડિઝાઇન હશે.
સરવે બાદ બધાને એવી આતુરતા છે કે નવો યુનિફોર્મ કેવો હશે. તો આ વિશે પ્રોફેસર ભવ્યા રાણા કહે છે કે, નવા યુનિફોર્મનુ વજન ઓછું હશે. તેનું કાપડ પોલિએસ્ટર અને મિક્સ ફેબરિકનું હશે. એક નહિ, અલગ અલગ યુનિફોર્મની ડિઝાઈન તૈયાર કરાઈ છે. જેના પર ફાઈનલ મહોર લાગે તેને એપ્લાય કરાશે. આ યુનિફોર્મ આરામદાયક હશે. તો વર્દીની સાથે બૂટની ડિઝાઈન પણ બદલાશે. હાલ બૂટ સિલેક્શનની કાર્યવાહી ચાલી રહી છે. જેના માટે વિવિધ બ્રાન્ડ્સ ચકાસવામાં આવી રહ્યાં છે.