નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ આઠ-આઠ મંદિર અને એક દુકાનમાં ચોરીના બનાવથી નાના એવા ગામમાં સનસનાટી મચી જવા હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નખત્રાણા પોલીસે જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ શુક્રવારે રાત્રિ દરમિયાન બન્યો હતો. તાલુકાના વડવા ભોપા ગામે આવેલા રબારી સમાજના વાંકલ માતાજીના ચાર મંદિર અને ભોપાબાપાનું મંદિર અને વાછડા દાદાનું મંદિર તેમજ વડવા કાંયા રોડ પર આવેલા મંદિર સહિત આઠ મંદિરોમાં શુક્રવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.
મંદિરોમાંથી સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને અંદાજે 60 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જ્યારે એક દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરાયો હતો. શનિવારે સવારે મંદિરે પુજા પરવા જતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. નાના એવા ગામમાં એક રાતમાં આઠ મંદિર અને દુકાનમાં ચોરીના પ્રયાસથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરીના બનાવ અંગે વડવા ભોપા ગામમાંથી કોઇ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા ન હોવાનું નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ રાવલે જણાવ્યું હતું.