ગુજરાતમાં 48 કલાક પછી વરસાદની તીવ્રતા ઘટશે! જાણો હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી

By: nationgujarat
29 Aug, 2024

અમદાવાદ: ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. ગઇકાલથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હજી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આજથી ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા લોકો અને તંત્રને રાહત મળવાની સંભાવના પણ છે.હવામાન નિષ્ણાત રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, ડીપ ડિપ્રેશન હજી પણ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લા પર બનેલું છે. છેલ્લા છ કલાકમાં આ સિસ્ટમ ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. આ ભૂજથી 60 કિમી દૂર છે અને નલિયાથી 80 કિમી દૂર છે. 30 તારીખના નોર્થ ઇસ્ટ અરેબિયન સી એડજોઇનીંગ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર અને પાકિસ્તાનમાં આ સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં રૂપાંતરિત થઇ જશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢમાં રેડ એલર્ટ આપવમાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગહી આપવામાં આવી છે. ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતનાં તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે કોઇ એલર્ટ આપી નથી.30મી તારીખના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી નથી.31મી તારીખે કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદનું કોઇ એલર્ટ નથી.પહેલી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની કોઇ આગાહી નથી. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ છે. જોકે, આ ઉપરાંતનાં કોઇ જ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી આપવામાં નથી આવી.બીજી નવેમ્બરના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભાવનગર, આણંદ, ભરુચ, નર્મદા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઇ આગાહી આપવામાં નથી આવી.ત્રીજી નવેમ્બરના રોજ ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે.નોંધનીય છે કે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Related Posts

Load more