ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આજુબાજુમાં સર્જાયેલ ડિપ્રેશન ગઈકાલે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સ્થિર થયું હતું. આ ડિપ ડિપ્રેશન ગઈકાલ રવિવારની રાત્રીથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ વરસાદી સિસ્ટમ રાજસ્થાનમાં છે. જે ઉદેપુરથી 60 કિલોમીટર અને અમદાવાદથી 180 કિલોમીટર દૂર છે. જે ધીમે ધીમે રાજસ્થાન, સૌરાષ્ટ્ર તરફ થઈને પાકિસ્તાન અને ઉતર પૂર્વ અરબી સમુદ્ર તરફ 29મીએ પહોચે તેવી સંભાવના છે.
વરસાદની આ મજબૂત સિસ્ટમને કારણે, ગુજરાતમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અતિશય ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે ઉચ્ચારી છે. હવામાન વિભાગનું માનવું છે કે, રાજસ્થાન તરફ સ્થિર થયેલ ડિપ ડિપ્રેશનને કારણે, ગુજરાતમાં 26 અને 27 ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસાવશે. જ્યારે 28મી ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવશે.
દરમિયાન આજે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં એક મીલીમિટરથી લઈને 11 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ વડોદરાના પાદરા તાલુકામાં વરસ્યો છે. પાદરમાં સવારના 6થી સાંજના છ વાગ્યા સુધીના સમયગાળામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો આણંદના બોરસદમાં સાડા દશ ઈંચ વરસાદ નોંધાયો છે. બપોરના 12થી 2 વાગ્યા સુધીના સમયગાળામાં જ બોરસદમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. વડોદરામાં પણ સાડા દશ ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાના નડિયાદમાં નવ, પંચમહાલના મોરવા હડફમાં પણ નવ ઈંચ અને આણંદમાં નવ ઈંચ વરસાદ વરસ્યો છે.