ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો.કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટ પર અસર
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.