Gujarat agricultural land decline: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને શહેરીકરણની તેજ ગતિ વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોકસભામાં રજૂ કરાયેલા ‘લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સ’ મુજબ, રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીનનો ઘટાડો થયો છે. આ ઘટાડો ગુજરાતના કુલ કૃષિ ક્ષેત્રના આશરે 1.83 ટકા જેટલો થાય છે પરિણામે ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષાએ ચિંતાનો વિષય બન્યો છે. ખેતી મોંઘી થતાં ખેડૂતો ખેતીલાયક જમીનો વેચી રહ્યાં છે જેથી ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.
કૃષિ ભૂમિમાં 2.24 લાખ હેક્ટરનો ઘટાડો
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સરકારી અહેવાલ મુજબ વર્ષ 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે વર્ષ 2024-25 સુધીમાં ઘટીને માત્ર 122.38 લાખ હેક્ટર રહી ગઈ છે. જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધુ 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર જમીન બિન-ખેતીમાં ફેરવાઈ ગઈ છે.
ઝડપી શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ
ખેતીની જમીન ઘટવા પાછળ ઝડપી શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોની સરહદો સતત વિસ્તરી રહી છે. હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે ખેડૂતો ઊંચી કિંમતે ખેતીલાયક જમીનો વેચી રહ્યા છે.
ગુજરાતમાં ખેતીલાયક જમીન ઘટવાના મુખ્ય કારણ
2024-25માં 12,234 હેક્ટર
મહત્ત્વનું કારણ એ પણ છે, હવે બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ જોતાં ખેડૂતોને ખેતી પોષાય તેમ નથી જેથી તેઓ ખેતીલાયક જમીન વેચી રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર રૂ. 12,631 છે જેના કારણે નવી પેઢી ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહી છે.
ગુજરાત મોડેલમાં ઉદ્યોગોને પ્રાથમિકતા મળતા હાઈવે ટચ ખેતીની જમીનો ફેક્ટરીઓ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને લોજિસ્ટિક પાર્કમાં ફેરવાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ, સુરત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જમીનમાં ખારાશ વધી રહી છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશને લીધે પણ હજારો હેક્ટર જમીન બિન-ઉપજાઉ બની છે.
બિન-ખેતીનો ટ્રેન્ડ ન રોકાય તો ગંભીર ખતરો
કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, જો ગુજરાતમાં જમીન બિન-ખેતી થવાનો આ ટ્રેન્ડ ન રોકાયો, તો આગામી સમયમાં નાના ખેડૂતો ખેતમજૂર બની જશે અને ધાન્ય પાકોની તીવ્ર અછત સર્જાઈ શકે છે.
સરકાર દ્વારા જે રીતે બેફામ નોન એગ્રીકલ્ચરને મંજૂરી આપવામાં આવે છે તેનાથી ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. તંત્ર દ્વારા આ મામલે નિયંત્રણ નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે.