ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીનો કલેક્ટરોને તકેદારીના પગલાં લેવાનો નિર્દેશ

By: nationgujarat
26 Aug, 2024

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું ઍલર્ટ જાહેર કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાને લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે.

ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરી સ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો છે. સૌરાષ્ટ્રના ભાગનગર, સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી જરૂરી પગલાં લેવા નિર્દેશ કર્યો છે. બીજી બાજુ ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદને લીધે જનજીવનને નડી રહેલી અડચણો અને તારાજી ન સર્જાય તેવા માટે જરૂરી પગલાં લેવા ત્યાંના કલેક્ટરનો સંપર્ક સાધ્યો છે. વધુમાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે.

 

 


Related Posts

Load more