ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ

By: Nation Gujarat Team
07 Jul, 2026

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. જેમાં વાપીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાતમી જુલાઈએ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, અમરેલીમાં ઓરેન્જ ઍલર્ટ. આઠમી જુલાઈ (આવતીકાલે)એ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ ઍલર્ટ છે.

7 Jul 2026 | 10:04 AM

સલામતીના પગલે સુરત-નવસારીની શાળા-કોલેજોમાં રજા જાહેર

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ રજા રાખવા અંગેનો નિર્ણય આચાર્યશ્રીઓએ લેવાનો રહેશે. જ્યારે નવસારીની તમામ શાળા તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે.

7 Jul 2026 | 10:03 AM

વાપીમાં સૌથી વધુ 8.56 ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વરસાદના આંકડા મુજબ વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગામમાં 6.26 ઇંચ, ઘોઘામાં 6.14 ઇંચ, નાનાપોંઢામાં 5.91 ઇંચ અને કપરાડામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.


Related Posts

Load more