ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. એક યુવક-યુવતી મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી
મૃતક વૈભવ ઇન્સ્ટા પ્રોફાઇલમાં એક્ટર આ હુમલામાં મૃત્યુ પામેલા વૈભવ મનવાણીની ઇન્સ્ટા પ્રોફાઇલમાં તેણે એક્ટર હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મોડલિંગ કરતો હોય એવા વીડિયોઝ તથા ફોટો પણ પોસ્ટ કરેલા છે. ક્લોથ બ્રાન્ડિગ માટેના ફોટોશૂટ પણ મૂકેલા છે. આ ઉપરાંત બ્યુટી પ્રોડક્ટ્સની પણ એડ કરતો જોવા મળે છે.
રાતે 1 વાગ્યે એક શખ્સ બાઇક લઈને કેનાલ સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ ATS પણ તપાસમાં જોડાઈ છે. આ ગુનામાં પોલીસને એક મહત્વની કડી હાથમા લાગી છે. પોલીસે બનાવ સ્થળ આસપાસના CCTV તપાસતા આશરે 1 વાગ્યા આસપાસ એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો છે. જે બે અઢી વાગ્યાના અરસામાં બહાર નીકળતા પણ જોવા મળ્યો છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રેમી પંખીડાઓ પર જ હુમલો કરવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપનાર આરોપીઓના શોર્ટ લિસ્ટ કર્યા છે. જેમાં ભૂતકાળમાં બે વર્ષ અગાઉ લૂંટ વિથ મર્ડરના ગુનાને અંજામ આપનાર એક આરોપી જામીન ઉપર છૂટીને બહાર આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે
આરોપીને ઝડપવા ચારેય દિશામાં તપાસનો ધમધમાટ જેના પગલે પોલીસે આ આરોપીને ઝડપી પાડવા ચારેય દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમો ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે શકમંદને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી દહેગામ તરફ ભાગ્યો છે. જેના પગલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દહેગામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
એક શખ્સ પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો પોલીસને જેના પર શંકા છે તે જામીન મુક્ત થયેલો શખ્સ કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
આ શકમંદની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યું હતું. જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.
વૈભવનું ઘટનાસ્થળે જ મોત, યુવતીને સારવાર માટે અમદાવાદ ખસેડાઈ અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો. આ દરમિયાન અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુગલે પ્રતિકાર કર્યો ત્યારે હુમલાખોરે તેમના પર હુમલો કર્યો, જેમાં વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. હુમલા પછી આરોપી યુગલ પાસેથી કીમતી સામાન લૂંટીને નાસી ગયો હતો.
મિત્રને ઉતારી યુવક-યુવતી કેનાલ પર આવ્યાં હતાં આ અંગે વધુમાં પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવકની 19 સપ્ટેમ્બરે બર્થ ડે હતી, જેના પગલે યુવક-યુવતી સહિતના મિત્રોએ અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું. બાદમાં બધા મિત્રો એક પછી એક અલગ પડ્યા હતા. ત્યારે યુવક અને યુવતી રાત્રિના 12:30 વાગ્યા દરમિયાન ઝુંડાલ વિસ્તારમાં રહેતી તેની એક મિત્રને ઉતારવા માટે ગાડી લઈને આવ્યા હતા. જે યુવતીને ઉતારીને યુવક અને યુવતી અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની છે.