ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી રહી છે, રાજ્યસરકારે પણ સહાય આપવાની વાત કહી છે. આ વચ્ચે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ કે, 16000 ગામોમાં 42 લાખ હેક્ટર જમીનને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. જોકે, થોડીવારમાં સરકાર સહાયની જાહેરાત કરે તેવી સંભાવના છે.
શું બોલ્યા જીતુ વાઘાણી
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ કે રાજ્યમાં 42 લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. 16000 ગામોમાં નુકસાન થયું છે. તેમણે જણાવ્યુ કે રાજ્ય સરકાર દ્વારા STRF ના નિયમોની ઉપર જઈને ટોપઅપ કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાંથી ખેડૂતોને નિયમ ઉપરાંતની સહાય ચુકવવામાં આવશે. જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માંગવામાં આવશે, આ અંગે નિર્ણય મુખ્યમંત્રી લેશે. પરંતુ પત્રકાર પરિષદમાં ખેડૂતોને ક્યારે સહાય આપવામાં આવશે આ પ્રશ્નનો જવાબ આપવાનું જીતુ વાઘાણીએ ટાળ્યું હતું.
ટેકાના ભાવે શરૂ થશે ખરીદી
જીતુ વાઘાણીએ કહ્યુ કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ખેડૂતો દ્વારા પાક લાવવાનો રહેશે. ખેડૂતદીઠ 125 મણની ખરીદી થશે. તેમણે કહ્યું કે ગત વર્ષ કરતા મગફળીના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પાકો બરબાદ થતાં ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે. એવા સમયમાં સરકાર દ્વારા આ નિર્ણય ખેડૂતો માટે એક મોટા આશ્વાસન સમાન છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર કાર્યરત છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.