ગાંધીનગરના બિલ્ડર પુત્રને પૈસાની લેતીદેતીમાં મરવા મજબૂર કરનારા પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 4 સામે ફરિયાદ

By: Nation Gujarat Team
30 Jan, 2026

ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્ન જીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકની બિનવારસી મળી આવેલી કારની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખ્સોના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાથી તેના પિતા પ્રવિણભાઈ પટેલે આ ચારેય શખ્સો વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવી છે.

ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે, હેલી બેટા (પત્ની) ખુશ રહેજે મને તારા જ માણસોએ મરવા માટે મજબુર કર્યો છે એમને સજા અપાવજે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

25 તારીખે ઘરેથી નીકળ્યા બાદ 28મીએ નર્મદા કેનાલમાંથી લાશ મળી હતી ગાંધીનગરના સુઘડ ખાતે એપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગલોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલ (ઉં.વ. 25) ગત 25મી તારીખે પોતાની સાઈટ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાયપુર ગામની સીમમાં આવેલ બહુચર પાન પાર્લર પાસે ઋષભની ગાડી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની બિનવારસી કારમાંથી દાગીના, મોબાઇલ, રોકડ રકમ તેમજ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી.આ અંગે તેના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે 25મી તારીખે જ ડભોડા પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગઈકાલે કડી કરણનગર સાયફનમાંથી ઋષભની લાશ મળી આવી હતી.

ઋષભની કારની ડેકીમાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી આ અંગે બિલ્ડર પ્રવિણભાઈ દશરથભાઇ પટેલ ફરિયાદ નોંધાવી છેકે , તેઓ સાનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇડો ચલાવે છે. જેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સાંભળતો હતો.ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતાં. 25 મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડા બારેક વાગે જમીને પોતાની સાઇડ ઉપર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વીસ સેન્ટર ખાતે લેવા ગયો હતો.

બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વીચ ઓફ આવતાં સગા સબંધીઓએ મોડી રાત સુધી તેની શોધખોળ કરી હતું. પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન તા.26 જાન્યુઆરીએ રાયપુર ગામની સીમમાં બહુચર પાન પાર્લર પાસે ક્રેટા ગાડી બિનવારસી મળી આવી હતી. ત્યારે પાર્લરવાળા ભાઈએ રાતના આઠેક વાગે ગાડી મુકીને કોઈ ભાઈ કેનાલ તરફ ગયા હોવાનું જણાવ્યું હતુ. બાદમાં તપાસ કરતા ગાડી ખુલ્લી અને ચાવી પણ હતી.ગાડીની ડેકીમાં સર સામાનની સાથે એક પ્લાસ્ટીકની થેલીમાં એક કવરમાંથી બે પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ઋષભના હાથે લાલ કલરની પેનથી લખાણ લખેલું હતું.

ચાર લોકોએ મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ આ અંગે પ્રદીપભાઈએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છેકે, દિકરા ઋષભના મોત બાબતે તપાસ કરતા કલ્પેશ ઉર્ફ તલાટી અંબાલાલ પટેલ (હાલ રહેવાસી એ/802, નેસ્ટ રેસીડન્સી, કેરાહેજા રોડ કોબા) મનિષ ઉર્ફ સ્પલેન્ડર સોમાભાઇ પટેલ (રહે. બી/101, શિખર રેસીડન્સી, નાના ચિલોડા) ,ક્રિશાલ અરવિંદભાઇ ઉર્ફ વિકમભાઇ પટેલ (રહે.સી/702, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ (તાબુંલ પાર્ન પાર્લર બેવરલી કોમ્પલેક્ષ નાના ચિલોડા) એ કોઈ વાતે ધાક ધમકી આપી ઋષભને માનસિક ટોર્ચ૨ કરી મરવા માટે મજબૂર કર્યો હતો.

પોલીસે ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઇ વી. આર. ખેરે જણાવ્યું કે, આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે. પૈસાની લેતીદેતીમાં છેલ્લા બે એક મહિનાથી ઋષભને ટોર્ચર કરવામાં આવતો હતો. ચાર આરોપીઓ પૈકીનો એક ઇસમ મનિષ ઉર્ફ સ્પલેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. હાલમાં ચારેયને ઝડપી લેવા અમારી સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ એક્ટિવ થઈ છે. ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એક્ટિવ થઈ છે. જે આરોપીઓ છે તે મૃતકના સસરાના પરિચિતો જ છે.


Related Posts

Load more