ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના રીશફલીંગ બાદ મંત્રીમંડળનુ કુલ કદ 26નુ થઈ ગયું છે. દિવાળીના આગલા દિવસ સુધી મુખ્યમંત્રી અને અન્ય બે-ત્રણ મંત્રીઓને બાદ કરતા કોઈને પણ ખબર નહોતી કે નવા રીશફલીંગમાં તેઓ રહેશ કે જશે. પરંતું એક મંત્રીને ખબર હતી કે, તેમનું મંત્રીપદ રહેવાનું નથી. આ મંત્રી હતા બચુભાઈ ખાબડ. આ મંત્રીની નવા મંત્રીમંડળમાં બાદબાકી થશે તેના ભણકારા પહેલાથી વાગ્યા હતા. બચુભાઈ ખાબડ સાથે જે થયું તેના બાદ નવા બનેલા મંત્રીઓ તેમની ઓફિસ કે બંગલામાં રહેવા તૈયાર ન હતા.
દિવાળીના લાંબા વેકેશન બાદ હવે આજથી સચિવાલય ફરીથી ધમધમતુ જોવા મળશે. જેમાં ખાસ કરીને જેઓએ હજુ શપથ લીધા બાદ ચાર્જ નહોતો સંભાળ્યો તેવા નવા મંત્રીઓ સ્વર્ણમ સંકુલ-1 અને સ્વર્ણીમ સંકુલ-2ના પોતાના કાર્યાલયમાં આવીને સત્તાવાર રીતે ચાર્જ સંભાળી રહ્યા છે. નવા મંત્રીઓમાં નવો જોશ અને ઉમંગ જોવા મળ્યો. પરંતું ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયામાં કંઈક નવુ જોવા મળ્યું. મનરેગા કૌભાંડોને પગલે પહેલા મંત્રીમંડળમાંથી ગાયબ અને પછી મંત્રીપદેથી તગેડી મુકાયેલા બચુ ખાબડનું સ્વર્ણિમ સંકુલ-૨માં આવેલું કાર્યાલય અને મંત્રીનિવાસ સ્થિત બંગલો નવનિયુક્ત મંત્રીઓમાંથી એક પણ લેવા માટે તૈયાર નહોતા!
આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, કેટલાક મંત્રીઓને બચુ ખાબડની ઓફિસ અને બંગલો અપશુકનિયાળ લાગ્યો. તેથી તેઓએ મુખ્યમંત્રી કાર્યાલય- CMOને તેમનો બંગલો અને ઓફિસ ન ફાળવવા રજૂઆત કરી હતી. જોકે, સરકારી નિયમો મુજબ, કોઈને તો ફાળવવાનો જ હતો. તેથી શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાને ખાબડનો બંગલો ફાળવાયો છે. ચેમ્બર ડો. મનિષા વકીલને મળી છે.
સચિવાલયમાં ચર્ચા છે કે, સ્થળ અપશુનિયાળ હોતું નથી. કર્મનું ફળ હોય છે. મંત્રીઓના કામ બોલશે, બંગલા કે ઓફિસના નંબર નહિ.
26 નંબરનો બંગલો લકી કહેવાય છે
ગુજરાતના મુખ્યમંત્રી બને એમને નિવાસ માટે 26 નંબરનો જ બંગલો ફાળવવામાં આવે છે. આ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રી પદ સાથે ખાસ સંબંધ છે. આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદીએ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું નિવાસસ્થાન બનાવી દીધું. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જ બંગલામાં રહે છે. પણ નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી એ પાછળ પણ એક રહસ્ય હતું. અને એ રહસ્ય એ હતું 26 નંબરના બંગલા માટે પ્રવર્તતિ એક માન્યતા. માન્યતા હતી કે આ શુકનિયાળ બંગલામાં જે રહે એ મોટાભાગે સમય જતાં મુખ્યમંત્રી બને છે. એક નંબરનો બંગલો જ્યાં મુખ્યમંત્રીઓ રહેતા તે બંગલો સરકારી ઓફિસમાં ફેરવાઈ ગયો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસનું શાસન હતું અને મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. માધવસિંહ 1 નંબરના બંગલામાં રહેતા હતા. એ જ સમયે અમરસિંહ ચૌધરી ગાંધીનગરના 26 નંબરના બંગલામાં રહેતા હતા અને સમય જતાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આવી જ રીતે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી રહેવા માટે 1 નંબરના બંગલામાં ગયા. ત્યારે 26 નંબરના બંગલામાં રહેતા હતા છબીલદાસ મહેતા. ચીમનભાઈ પટેલનું અવસાન થયું અને છબીલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા.
એક પછી એક આ બંગલા પરથી મુખ્યમંત્રીનું પદ મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી જdયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર આ નિવાસસ્થાનને CM નું સત્તાવાર નિવાસ્થાન બનાવી દીધું હતું. એના પછી જે પણ મુખ્યમંત્રી બન્યા તે આ જ બંગલામાં રહ્યા. જેમાં આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.