ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજયંતીનો પાવન અને પવિત્ર, મંગળ અને શુભ દિવસ. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય આજે પણ શુભ કાર્યના પ્રારંભે જેનું સ્મરણ કરે એવા સર્વ વિઘ્નોના નાશક ભગવાન ગણેશજીની જન્મજયંતી એટલે ગણેશચોથ 10 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે બ્રહ્મ અને રવિયોગમાં ભગવાન ગણેશજીની સ્થાપના સાથે પૂજા કરવામાં આવશે. શિવપુરણમાં રુદ્રસંહિતાના અધ્યાય 13માં જણાવ્યા મુજબ, એક સવારે માતા પાર્વતીએ પોતાના શરીર પર લગાવેલું ઉબટન (સ્નાન પહેલાનું સુગંધી દ્રવ્ય)માંથી એક શિશુની મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ રેડ્યા, જેનું નામ તેમણે વિનાયક પાડ્યું. રિદ્ધિ અને સિદ્ધિએ તેમની બે પત્નીઓ અને તેમનાથી ઉત્પન્ન થયેલાં બે બાળકો એટલે લાભ અને શુભ. આમ, આખો પરિવાર બન્યો. વિઘ્નવિનાશક, રિદ્ધિ, સિદ્ધિ, લાભ અને શુભ.
દોઢ દિવસથી લઈને 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરવાનું મહત્ત્વ-
જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારિત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. એનું જ્યોતિષશાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્ત્વ રહેલું છે. કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની સ્તૃતિ વંદના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના વિધિવત્ કરવામાં આવશે, સાથે શ્રદ્ધા, ભાવભક્તિપૂર્વક તેમની પૂજા-અર્ચના કરવામાં આવશે. અંતે, ગણેશ વિસર્જન કરવામાં આવે છે, શ્રદ્ધાળુ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે. દોઢ દિવસથી લઈને કોઈ 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ગણેશજીની પૂજામાં લાલ વસ્ત્ર, અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, જનોઈ તેમ જ જાસૂદના ફૂલ પધરાવીને શુદ્ધ દીવો અને અગરબત્તી પ્રગટાવીને ગોળ કે મોદકનો પ્રસાદ વહેંચી ગણેશ સ્થાપના થાય છે. ત્યાર બાદ પૂજામાં ગણેશનાવલી, ગણેશ સ્તોત્ર, અથર્વશીષના પાઠ પણ કરી શકાય છે. તમામ માંગલિક કાર્યોમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા વંદના થાય છે. લગ્ન પ્રસંગ હોય કે વાસ્તુ હોય ત્યારે દીવાલમાં ગણેશજીનું ચિત્ર દોરી કે તેમની તસવીર દીવાલ પર લગાવી પૂજા કરાય છે, જેને માતૃકા પૂજન કહે છે. ત્યાર બાદ પૂજાવિધિ કરી શકાય છે.
માણસના જીવનને બધી જ સમૃદ્ધિઓ આપે એ ભગવાન સિદ્ધિવિનાયક-
ભાવનગરના શ્રીધર પંચાંગવાળા જ્યોતિષાચાર્ય કિશનભાઈ જી. જોશીના જણાવ્યા પ્રમાણે, લિંગ સ્વરૂપે પણ ગણેશજીની પૂજા કરી શકાય છે, માટે પૂજામાં સોપારી સ્વરૂપમાં ગણપતિજીની સ્થાપના કરાય છે. આજથી ભાદરવા સુદ ચૌદશ સુધી ભગવાનની પૂજા કરી સમુદ્રમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરાય છે, જેમ પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવાય, એમ પાર્થિવ ગણેશજીની મૂર્તિ પણ માટીમાંથી બનાવવી એવી શાસ્ત્રાજ્ઞા છે. આજથી દસ દિવસ સુધી ગણેશજીની પૂજાનું મહાત્મ્ય આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે. ભગવાન ગણેશજી વિઘ્નવિનાશક, કાર્યમાં સિદ્ધિ આપનારા તથા લક્ષ્મીજીની કૃપા આપનારા દેવ છે. પાર્થિવ ગણેશજીની પૂજા માટે બાર રાશિવાળા જાતકો માટે અલગ-અલગ મંત્રો અને પૂજા સામગ્રીનું વર્ણન પણ બતાવ્યું છે. આજે આપણે જોઈએ બારે રાશિવાળા જાતકોએ કેવી રીતે કરવી ગણેશજીની પૂજા અને કયા મંત્રો આપશે તમને ખુશહાલી, પ્રેમમાં સફળતા અને લક્ષ્મીજીની અપાર કૃપા.
ગણેશવિસર્જન વિધિ-
સૌપ્રથમ લાકડાનું એક પાટલો લો. એને તમે પાણીમાં ગંગાજળ ભેળવીને સારી રીતે સાફ કરી લો. આવી રીતે પાટલાની ગંદકી સાથે નેગેટિવ ઊર્જા પણ દૂર થઇ જશે. હવે સૌભાગ્ય માટે ઘરની મહિલાએ પાટલા ઉપર સ્વસ્તિકનું ચિહન બનાવે. આ પાટલા ઉપર ચોખા મૂકો અને એની ઉપર પીળા, ગુલાબ કે પછી લાલ રંગનું કપડું પાથરી દો. ત્યાર પછી ગણેશજીને સાચવીને પૂજાના સ્થાન પરથી ઉપાડીને આ પાટલા પર બિરાજમાન કરો. હવે આ પાટલા ઉપર ફળ, ફૂલ અને મોદક વગેરે મૂકો. યાદ રાખો ગણેશજીને વિદાય કરતાં પહેલાં તમારે છેલ્લી વખત તેમની આરતી જરૂર કરવી જોઈએ. આરતી પછી ભોગ પણ ચઢાવો અને વસ્ત્ર પહેરાવો. હવે એક રેશમી કપડાની અંદર મોદક, પૈસા, દૂર્વા ઘાસ અને સોપારી બાંધીને એક પોટલી બનાવી લો. એની પોટલીને તમે ગણપતિ ભગવાન સાથે જ બાંધી દો. હવે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરો અને સાથે જ ભૂલચૂક માફ કરવાની વિનંતી કરો, ત્યાર પછી ગણપતિ બાપ્પા મોર્યાનાં સૂત્રો પણ બોલો. છેલ્લે, સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધાના ભાવ સાથે ગણેશજીને પાણીમાં વિસર્જન કરો.