ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કલંકિત કિસ્સો, હાથની સારવાર માટે આવેલા દર્દીની હાર્ટ સર્જરી કરી

By: nationgujarat
25 Nov, 2024

Ahmedabad Khyati Hospital Scam: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. આ હોસ્પિટલમાં હાથના દુઃખાવાની સમસ્યા સાથે પહોંચેલા દર્દીની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળતા મૃત્યુ થયું હતું.

સાણંદમાં વધુ એક દર્દીનું મોત

નવેમ્બર 2023માં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, સાણંદના નિરાધડ ગામના ભીખાજી ડાભીને છેલ્લાં ઘણાં દિવસોથી હાથમાં સતત દુખાવાની ફરિયાદ હતી. જેના કારણે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓએ હજુ પોતાની સમસ્યાની જાણ ડૉક્ટરને કરી જ ત્યાં તેમની પહેલા એન્જિયોગ્રાફી કરી નાખી. આ પછી તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં એન્જિયોપ્લાસ્ટી કરતાં અગાઉ તેમણે ભીખાજીના પરિવારને જાણ પણ કરી નહોતી.

દર્દીનો દીકરો પોલીસ સ્ટેશનમાં કરશે ફરિયાદ

એન્જિયોપ્લાસ્ટી બાદ તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. તેમના હૃદયનું પમ્પિંગ ઘટીને 20 ટકા થઈ ગયું હતું. તેઓને તાકીદે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા પણ ખ્યાતિના કુખ્યાત ડોક્ટરોએ તેમનું સ્વાસ્થ્ય એ હદે કથળાવી દીધું હતું કે બીજી હોસ્પિટલમાં પણ ભિખાજીને બચાવી શકાયા નહીં. ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારીના કારણે હવે ભિખાજીના દીકરા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે.

પોલીસે કરી દોડધામ

ખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને 12 દિવસ જેટલો સમય પસાર થયો થઈ હોવા છતાંય, મુખ્ય આરોપીઓ અંગે ક્રાઈમ બ્રાન્ચ કે અન્ય એજન્સી કોઈ કડી મેળવી શકી નથી. ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપૂત, ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસની મદદ લીધી

ખ્યાતિ હોસ્પિટલ કાંડનો ગુનો નોંધાયાને 12 દિવસ જેટલો સમય પસાર થયો હોવા છતાંય, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે હાલ માત્ર નિવેદનની પ્રક્રિયા કરીને સંતોષ માનીને કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતું. જ્યારે ડૉ. સજંય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ અને રાહુલ જૈનનું છેલ્લું લોકેશન વડોદરા નજીક હતું. પરંતુ, ત્યારબાદ તમામ ફોન સ્વિચ ઑફ થઈ ગયા હતાં. જેથી આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયબર ક્રાઈમ ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને કામગીરી શરૂ કરી છે.


Related Posts

Load more