આપણું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે.
વિશ્વ જોતું રહી જાય એવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે. મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઉભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝ્મથી લઈને નોકરીની ડિમાન્ડ ઉભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે. તેમજ 3 લાખ જેટલી રોજગારી ઉભી થશે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેટલું બજેટ જોઈશે?, તોતિંગ ખર્ચની ગુજરાતના અર્થતંત્ર પર કેવી અસર થશે?, હોટલ, ટુરિઝમ, રિઅલ એસ્ટેટ માર્કેટને આ ગેમ્સના આયોજનથી કેવી આશા છે અને તેનાથી આ ઉદ્યોગોમાં કેવા પરિવર્તન આવશે? આ તમામ સવાલોના જવાબ જાણવા દિવ્ય ભાસ્કરે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.
દેશમાં ગુજરાત સ્પોર્ટસનું હબ બનશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આંતરરાષ્ટ્રી પતંગોત્સવ, રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. અમદાવાદે 2026 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઈટ લિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે. જે દેશમાં ગુજરાતને સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઈવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો વધશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજનના કારણે અમદાવાદને અને ગુજરાતના અર્થતંત્રને કેટલો ફાયદો થાય?, ખાસ કરીને કયા કયા સેક્ટરને સૌથી વધુ ફાયદો થાય અને ખર્ચમાં કરકસર માટે સરકાર શું કરી શકે? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે આર્થિક બાબતોના જાણકાર જય નારાયણ વ્યાસ, યમલ વ્યાસ અને પ્રોફેસર હેમંતકુમાર શાહ સાથે વાતચીત કરી હતી.
આયોજના પાછળ 30,000થી 35,000 કરોડના ખર્ચનો અંદાજ જયનારાયણ વ્યાસે જણાવ્યું હતં કે, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની પાછળ અંદાજિત 30 થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રમતગમતના સ્ટેડિયમ બનશે, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ વધારો થશે, જેના કારણે રોજગારીમાં પણ વધારો થશે. એરલાઈન્ટ અને હોટલ ઉદ્યોગનો બુસ્ટ મળશે. કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે એટલે તેનાથી ફાયદો જ થાય. દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો જ થયો હતો.
કોમનવેલ્થના આયોજનથી નવી 1 લાખ રોજગારીની તકો સર્જાશે: યમલ વ્યાસ આર્થિક બાબતોના જાણકાર યમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રમતગમત માટે જ 5 હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અલગ થશે. ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે. ગેમ્સના આયોજનના કારણે અંદાજિત એક લાખ નવી રોજગારની તકોનું સર્જન થવાની શક્યતા છે.
રિયલ એસ્ટેટને બૂસ્ટ ડોઝ મળશે 2020 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે જે સંભવિત સ્થળો છે તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં જમીન-મકાનનાી ભાવમાં રોકેટગતિએ વધારો થવાની શક્યતા છે. રિયલ એસ્ટેટના જાણકારોનું માનીએ તો, હાલ રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલે છે પણ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીના કારણે બુસ્ટ મળશે.
જમીન માલિકોને ચાંદખેડા, મોટેરામાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો’ રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોના મતે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાતના કારણે ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં 15થી 20 ટકા સુધીનો તાત્કાલિક ફાયદો જમીન માલિકોને થઈ શકે છે. તેમજ તેની નજીકમાં આવતા ઝુંડાલ, વૈષ્ણોદેવી સર્કલ અને સરગાસણ સહિતના વિસ્તારમાં જમીનના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રોકાણકારો માટે પણ રોકાણ માટે આ સુવર્ણ સમય ગણી શકાય.
ચાંદખેડા ભાવિ વિકાસ કેન્દ્ર મોટેરા, ચાંદેખડા, ઝુંડાલ, વૈષ્ણોદેવી, ત્રાગડ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેવું રિયલ એસ્ટેટ સેક્ટરના એક્સપર્ટ માની રહ્યા છે. કારણ કે ચાંદખેડાને એક ભાવિ વિકાસ કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. તેમજ મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ એરિયા હોવાથી આ વિસ્તારમાં ઘણો વિકાસ થઈ શકે છે જેના કારણે રોકાણ કરવા માટે સૌથી વધુ ફાયદાકારક રહેવાનું છે.
અમદાવાદમાં ઘર લેવું ગર્વની બાબત બની જશે: ક્રેડાઈના પ્રમુખ ક્રેડાઈના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતું કે,અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટની સાથે સાથે શહેરનો પણ વિકાસ થવાનો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ અમદાવાદમાં આવી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ આવવાથી માત્ર અમદાવાદમાં રહેતો ગુજરાતી જ નહીં બહાર રહેતા ગુજરાતી પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. અમદાવાદમાં ઘર લેવું ગર્વની વાત બની જશે.ખૂબ મોટું માઇગ્રેશન અમદાવાદમાં આવશે જેથી ઘણો ગ્રોથ પણ થવાનો છે. સ્પોર્ટ્સ સંકુલ જ્યાં બનવાના છે ત્યાં ઘણું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.
વધુમાં તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો GDP ગ્રોથ વધી જવાનો છે. મોટેરા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, ઝુંડાલ સહિતના વિસ્તારમાં ઇન્વેસ્ટ કરશો તો ઘણો એવો ગ્રોથ મળવાનો છે.ઇન્વેસ્ટનેટ પણ અમદાવાદ ફાસ્ટ આવશે જેનાથી ગ્રોથ પણ થવાનો છે. કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને જ ડેવલોપમેન્ટ થવાના છે. અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગમાં અને ઓપન લેન્ડમાં ઘણું ડેવલોપમેન્ટ થશે. ચાર કે છ મહિનામાં કોઈ ઇન્વેસ્ટમેન કરશે તો ઘણું સારું રિટર્ન મળવાનું છે.
‘શહેર આસપાસના 77 કિમીના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે’ સિટી એસ્ટેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ બાવડીયાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદ શહેર આસપાસના 77 કિલોમીટરના વિસ્તારમાં ભાવ ઊંચા જઈ શકે. મોટેરા સહિતના વિસ્તારમાં પણ ભાવ ખૂબ વધી શકે છે. અત્યારે રોકાણ કરો તો સારું એવું બેનીફીટ મળી શકે છે. આવનારા 10 વર્ષ ગુજરાત માટે ખૂબ મહત્વના રહેવાના છે. કોમનવેલ્થ ગેમ્સના કારણે ઝુંડાલ, ત્રાગડ અને વૈષ્ણોદેવી જેવા વિસ્તારમાં ભાવમાં ચોક્કસથી વધારો જોવા મળશે.
‘રોકાણ કરવું હોય તો અત્યારનો સમય યોગ્ય છે’ કયા વિસ્તારની ડિમાન્ડ વધી શકે છે? તેને લઈને પ્રવીણ બાવડીયા જણાવે છે કે, અત્યારે જો કોઈને રોકાણ કરવું હોય તો કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ. જે લોકોએ પોતાનું ઘર ખરીદવાનું બાકી હોય તો આ જ યોગ્ય સમય છે. કારણકે કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત થયા બાદ ભાવમાં ઘણો ઉછાળો જોવા મળશે. ઝુંડાલ, ત્રાગડ, વૈષ્ણોદેવી, થલતેજ સહિતના વિસ્તારોમાં રોકાણ કરવું ઘણું ફાયદાકારક રહેશે. અત્યારે રોકાણ કરીએ તો 35 ટકાથી વધુનો વધારો ચોક્કસથી થઈ શકે છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદનું અંતર કાપવું સરળ થઈ ગયું છે. જેથી વૈષ્ણોદેવીથી ઝુંડાલ અને મોટેરા સુધીનો જે વિસ્તાર છે તેમાં રોકાણ કરવું જોઈએ. લુલુ મોલ સહિતના મોટા મોટા મોલ પણ એ જ વિસ્તારમાં આવી રહ્યા છે. જો રોકાણ કરવું જ હોય તો અત્યારનો સમય એકદમ યોગ્ય જ છે.
સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો વિસ્તાર જોરદાર ગતિ પકડશે વધુમાં પ્રવીણ બાવડીયા જણાવે છે કે, સરગાસણ, કુડાસણ, રાયસણ સહિતનો જે વિસ્તાર છે તે જોરદાર ગતિ પકડવાનો છે. અન્ય જિલ્લામાંથી ઘણી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અમદાવાદ અભ્યાસ માટે આવે છે જેથી ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ અમદાવાદ-ગાંધીનગરમાં નોકરી કરે તો અહીં ઘર રાખવાનું પસંદ કરતા હોય છે.
કોલકાતા, મુંબઈ, રાજસ્થાનના ઇન્વેસ્ટરનું અમદાવાદ પર ધ્યાન તેમજ કોલકાતા, મુંબઈ, રાજસ્થાન સહિતના ઇન્વેસ્ટર અમદાવાદમાં ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. NRIમાં અમેરિકા, લંડન અને આફ્રિકાથી પણ ઘણા ગુજરાતીઓ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. જેથી આવનાર સમયમાં સુવર્ણ યુગની શરૂઆત થશે અને અમદાવાદ સૌથી હોટ ડેસ્ટિનેશન બની જવાનું છે.