કેસર કેરીના રસિયાઓ તૈયાર થઈ જાવ! જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સિઝનનો પ્રારંભ; જાણો ભાવ

By: Nation Gujarat Team
07 Mar, 2026

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની કેરી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. જો કે, વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ અંદાજે 10 થી 12 દિવસ મોડો આવ્યો છે. હાલમાં માર્કેટમાં ખાખડી કેરીની આવક વધતા બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં મોટા પાયે કેરીની ખેતી થાય છે અને સમગ્ર ગુજરાત સાથે દેશભરના લોકો અહીંની કેસર કેરીની રાહ જુએ છે. જૂનાગઢના શાકભાજી અને ફળફળાદી સબ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક મહિનાથી ખાખડી કેરીની ધીમી આવક જોવા મળી રહી હતી. પરંતુ છેલ્લા પંદર દિવસથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતો હવે ખાખડી કેરી ઉતારીને માર્કેટમાં લાવી રહ્યા છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ મોડું આવવાને કારણે કેરીનો પાક પણ મોડો આવ્યો છે. જો કે, વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ હવે પાક સારો આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ માર્કેટમાં આવતી ખાખડી કેરીની ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી થઈ રહ્યા છે. સારી ક્વોલિટીની કેરીના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યા છે. બજારમાં છૂટક વેપારીઓ પાસે પણ ખાખડી કેરીનું વેચાણ તેજ બન્યું છે. ખાસ કરીને અથાણાં અને અન્ય ઉપયોગ માટે લોકો અત્યારથી જ કેરીની ખરીદી કરી રહ્યા છે.

જોકે કેરીની રાણી ગણાતી કેસર કેરી માટે રસિકોએ હજુ થોડા દિવસો રાહ જોવી પડશે. હાલમાં કેસર કેરીની દૈનિક આવક માત્ર અંદાજે બે હજાર કિલો જેટલી જ છે, જે ખૂબ મર્યાદિત ગણાય છે. પરંતુ આગામી એક મહિનામાં કેરીની આવકમાં મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Related Posts

Load more