કેનેડાની સરકારનો મોટો નિર્ણય, ઇરાનની સૌથી ખતરનાક આર્મીને જાહેર કરી આતંકી સંગઠન

By: nationgujarat
20 Jun, 2024

કેનેડાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સાથે તેના નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા વિનંતી કરવામાં આવી છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે IRGC હવે કેનેડામાં આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ થઈ ગયું છે.આ નિર્ણયની જાહેરાત કરતા જસ્ટિન ટ્રુડોની કેનેડા સરકારે કહ્યું કે આ પગલું ટેરર ​​ફંડિંગ રોકવામાં મદદ કરશે. કેનેડાની સરકારે એક નિવેદનમાં કહ્યું કે આતંકવાદી યાદીમાં IRGCના સમાવેશથી એક મજબૂત સંદેશ ગયો છે કે કેનેડા IRGCની તમામ આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. જો કે કેનેડાના પગલા અંગે ઈરાને હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

નોંધનીય છે કે વર્ષોથી કેનેડાની વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટી વડાપ્રધાન ટ્રુડોને IRGCને બ્લેકલિસ્ટ કરવા માટે વિનંતી કરી રહી છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે બુધવારે કહ્યું કે આ નિર્ણય પાછળ ઈરાનનો માનવાધિકાર રેકોર્ડ મુખ્ય કારણ છે. તેમણે નિવેદનમાં કહ્યું કે ઈરાન સરકાર દેશની અંદર અને બહાર માનવાધિકારોનો સતત ભંગ કરી રહી છે.

IRGCની સ્થાપના ઇસ્લામિક ક્રાંતિના તરત બાદ જેને સિપાહ-એ-પાસદરન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાની સૈન્ય હતી, જેમાં પરંપરાગત લડાકુઓ નહી પરંતુ એવા લોકો સામેલ હતા જે દેશમાં ઇસ્લામિક ક્રાંતિ ઇચ્છતા લોકો સામેલ હતા. આ પહેલા ઈરાન ખૂબ જ આધુનિક દેશ હતો. પરંતુ આવી સ્થિતિમાં ઇસ્લામિક કાયદાઓનો ઘણો વિરોધ થયો હતો. IRGCનો ઉદ્દેશ્ય આ વિરોધને ખતમ કરવાનો હતો. બાદમાં આ જૂથને ઈરાની કાયદામાં કાયદેસર તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. તેને એટલી સત્તા પણ આપવામાં આવી હતી કે તે રાજકીય અને આર્થિક બાબતોમાં દખલ કરી શકે.

તે અન્ય કોઈ દેશની પરંપરાગત સેના જેવું નથી, પરંતુ તે ઈરાનનું વિશેષ વૈકલ્પિક બળ છે. આર્મી ચીફનો દાવો છે કે તેમની પાસે એક લાખ 90 હજાર એક્ટિવ સૈનિકો છે, જે આર્મી, નેવી અને એરફોર્સમાં કામ કરે છે. તે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીને રિપોર્ટ કરે છે. બળની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમો પણ ચલાવે છે.

‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચે ઈરાન માટે લડતી સેના છે. તે ઘરેલું કટોકટી તેમજ વિદેશી જોખમોના કિસ્સામાં ઇસ્લામિક રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન ઈરાનના આ વિશેષ દળને ટૂંક સમયમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે.

જો IRGCને આતંકવાદી જાહેર કરવામાં આવે તો શું થશે?

સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાથી મોટો ફરક પડશે કે ઈરાનના આ સ્પેશિયલ ફોર્સમાં જોડાવું કે સમર્થન કરવું એ ગુનો બની જશે. આ સિવાય જે પણ દેશમાં તેની સંપત્તિ જાહેર કરવામાં આવશે તેને ફ્રીઝ કરવામાં આવશે. આ સાથે કોઈપણ નાગરિક કે વેપારી સંસ્થા આ સંસ્થાને કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી શકશે નહીં.

કયા દેશોમાં IRGC ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યું છે

ઈરાનના વિશેષ IRGC દળને 2019 માં યુએસ દ્વારા આતંકવાદી જૂથ જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે તે હિઝબુલ્લા સહિત મધ્ય પૂર્વમાં ઘણા આતંકવાદી સંગઠનો બનાવવા માટે જવાબદાર હતું. યુરોપિયન યુનિયને તેની સાથે IRGC પર ડ્રોન હુમલા કરીને સાઉદી અરેબિયામાં તેલના ભંડારને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે આ સૈન્ય જૂથને ઇરાકમાં તૈનાત 6 થી વધુ અમેરિકન સૈનિકોની હત્યા માટે જવાબદાર ગણાવ્યું હતું અને તેને 2019 માં આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.


Related Posts

Load more