સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સોમવારના રોજ કુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશુંડાના જળથી છંટકાવ કરવામાં આવ્યો.
ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ – હીરાપુર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિમાં બનાવેલ છત્રી સ્થાને સામૂહીક આરતી કરવામાં આવી હતી. આ નિમિત્તે જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ. આ પ્રસંગે કથામૃતનું પાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શ્રી હરિવલ્લદાસસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી કરાવ્યું હતું.
આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા અને ઓચ્છવ કરવામાં આવ્યો. અંતમાં સૌને ધાણી – ખજૂર – ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ – રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, “ફૂલદોલોત્સવ” શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે.જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે.વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળમાં ઝુલાવામાં આવ્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરૂપે બિરાજીને દર્શન આપ્યા હતા.
સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ “કુલદોલોત્સવ” ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભક્તો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.