કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે કોલ્ડવોર? દિલ્હીમાં યોજાશે કોળી સમાજના બે અધિવેશન

By: Nation Gujarat Team
09 Jun, 2026
રાજકોટ: દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે. જૂન મહિનામાં માત્ર સાત દિવસના અંતરે દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં અસમંજસ અને રાજકીય ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, 14મી જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં અધિવેશન યોજાવાનું છે. ચર્ચા તો એવી પણ છે કે, કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલી રહી છે. આ કથિત કોલ્ડવોરના ભાગરૂપે દિલ્હીમાં અધિવેશન બોલાવવામાં આવ્યું હોઈ શકે છે.
અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 જૂન, 2026ના રોજ દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. જોકે આ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ 14 જૂન, 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. સમાજના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, એક જ સંગઠનના નામે માત્ર એક સપ્તાહના અંતરે બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાશે.
કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દેશભરમાં અંદાજે 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા આવા હોદ્દેદારોને વિશેષ સન્માન અને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. સાત દિવસના અંતરે બે-બે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાલમાં સામાન્ય સમાજ મૂંઝવણમાં છે કે કયા અધિવેશનમાં હાજરી આપવી અને કયા અધિવેશનથી દૂર રહેવું જોઈએ.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળ્યા છે. હીરા સોલંકી આ વીડિયોમાં જણાવે છે કે, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. 21 તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો હોવાની ચર્ચા થઈ રહી છે.

Related Posts

Load more