કાંકરિયા લેકફ્રન્ટ: સુવિધાના નામે પ્રજાના કરોડો વપરાયા અને કમાણી શાસકોના મળતિયાઓ કરશે

By: nationgujarat
02 Aug, 2024

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની માફક હવે શહેરના ઘરેણા સમાન કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરને પણ ભાડે આપી દેવાનો કારસો રચાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પરિસરને બે વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે આપવા બાબતે બિડરો પાસેથી ઓફર પણ મંગાવવામાં આવી છે.

ત્યારે પ્રજાએ ટેક્સ રૂપે ભરેલા કરોડો રૂપિયાના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓમાંથી હવે શાસકોના મળતિયાઓ કમાણી કરશે, તેવી સ્થિતિ નિર્માણ પામી છે.  શરૂઆતમાં એજન્સીને બે વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સોંપવામાં આવશે. આ દરમિયાન વિવિધ 60 સ્થળોએ એજન્સીએ મેન પાવર પૂરો પાડવાનો રહેશે. મ્યુનિ. દ્વારા મંગાવવામાં આવેલી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલમાં ઐતિહાસિક કાંકરિયા તળાવ પરિસર ઉપરાંત કિડ્સ સિટી તથા નોક્ટરનલ ઝૂનો સમાવેશ થાય છે.આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરિયા તળાવ પરિસરને વર્ષ 2008-09ના વર્ષમાં વિકસિત કરી કાંકરિયા લેકફ્રન્ટ તરીકે ડેવલપ કરવામાં આવ્યુ હતુ. લેકફ્રન્ટ પરિસરમાં કાંકરિયા ઝૂ ઉપરાંત નોકટરનલ ઝૂ, બાલવાટિકા સહિતના આકર્ષણોની સાથે બાળકો માટેની ટોય ટ્રેન સહિતના આકર્ષણો ઉમેરવામા આવ્યા હતા. દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનુ પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી આયોજન કરવામા આવે છે.

કાંકરિયા લેકફ્રન્ટ અને તેના પરિસરમાં આવેલા વિવિધ સ્થળોને સમયની માંગ મુજબ અપગ્રેડ કરવાની સાથે આવતા મુલાકાતીઓને વિવિધ પ્રકારની સવલત મળી રહે એ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી આપવા માટે બિડરો પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી બે વર્ષ માટે આપવામાં આવશે. બે વર્ષ બાદ ઓપરેટરની કામગીરી સંતોષકારક લાગશે તો મુદતમાં વધુ બે વર્ષનો વધારો કરવા અંગે તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવશે.

 

લેકફ્રન્ટ પરિસર ખાતે આવેલા દસ જેટલા ટિકીટ કાઉન્ટર ઉપરાંત કિડસ સીટીના 30 પોઈન્ટ, પ્રોટોકોલ સર્વિસના ત્રણ પોઈન્ટ, બે બસ આસિટન્ટ, બે સુપરવિઝન પોઈન્ટ, એક સિસ્ટમ એડમિનીસ્ટ્રેટર સહિત કુલ 48 તથા નોકટરનલ ઝૂના કુલ 12 સર્વિસ પોઈન્ટ મળી કુલ 60 પોઈન્ટ ઉપર સર્વિસ પ્રોવાઈડર દ્વારા મેનપાવર પુરો પાડવામાં આવશે.કિડસ સીટી માટે પી.પી.પી.બેઝથી કોન્ટ્રાકટ કરવામા આવશે. આ બાબત મ્યુનિ.ની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.

ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે ઓફર મંગાવાઈ : કોઈપણ એજન્સીને શરૂઆતમાં બે વર્ષ માટે સંચાલન સોંપાશે : સર્વિસ પ્રોવાઈડરે ટિકિટ કાઉન્ટર, નોક્ટરનલ ઝૂ તેમજ કિડ્સ સિટી સહિતના 60 પોઈન્ટ પર મેનપાવર પૂરો પાડવાનો રહેશે

હાલ આવી કોઈ વિચારણા નથી – રિક્રિએશન કમિટીના ચેરમેન

અમદાવાદ મ્યુનિ.ની રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ આ મામલે જણાવ્યું છે કે, હાલ આવી કોઈ વિચારણા નથી. બાલવાટિકાનું રિનોવેશન શરૂ કરાયું છે. આવી રીતે તબક્કાવાર જુદી જુદી એક્ટિવિટીનું રિનોવેશન પણ કરાશે. આખુ પરિસર પીપીપી ધોરણે ચલાવવા આપી દેવાય કોઈ શક્યતા નથી. જોકે ચેરમેનના આ નિવેદન સામે એ હકીકત છે કે, મ્યુનિ.ની વેબસાઈટ પર આવી દરખાસ્ત મગાવાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

એકાદ-બે એક્ટિવિટી પૂરતું આવું આયોજન હોઈ શકે – ડે. કમિશનર

કાંકરિયા લેક ફ્રન્ટનો હવાલો સંભાળતા દક્ષિણ ઝોનના નાયબ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું છે કે, આખુ પરિસર ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે આપવાની કોઈ બાબત ધ્યાને આવી નથી. એકાદ-બે એક્ટિવિટી પૂરતું આવું આયોજન હોઈ શકે છે.


Related Posts

Load more