એશિયાટિક સિંહોના મોત શા કારણે થઈ રહ્યા છે? સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

By: Nation Gujarat Team
27 Feb, 2026
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યમાં સિંહોની વસ્તી અને તેમના સંરક્ષણ માટેના પ્રયાસોને લઈને ચર્ચા થઈ. આ ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યના વન મંત્રીએ સિંહોની સંખ્યા અને તેમના મૃત્યુના આંકડા વિશે પ્રશ્ન પૂછ્યો. આ આંકડા અનુસાર, 31 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યમાં કુલ 891 સિંહો હતા, જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે.
વન અને પર્યાવરણ મંત્રીએ સિંહોના મૃત્યુના કારણો વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન કુદરતી કારણો મુખ્ય રહ્યા છે. 2024માં 165 સિંહોના મૃત્યુ થયા હતા, જેમાંથી 126 કુદરતી અને 39 અકુદરતી હતા. 2025માં આ સંખ્યા ઘટીને 148 થઈ અને 2026માં 31 જાન્યુઆરી સુધીમાં 9 સિંહોના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 6 કુદરતી અને 3 અકુદરતી હતા. સિંહોના અકુદરતી મૃત્યુ રોકવા માટે અને સંરક્ષણને મજબૂત બનાવવા માટે સરકારના અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.
સરકાર દ્વારા સિંહોના તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસર અને લાયન એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહોના હાઈટેક મોનિટરિંગ માટે રેડિયો કોલરિંગ અને સાસણ ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, વન્યપ્રાણી વિસ્તારોમાં સડક અકસ્માતો નિવારણ માટે સ્પીડ બ્રેકર્સ અને રાજુલા-પીપાવ રેલ્વે ટ્રેકની બંને બાજુ ચેઈનલિંક ફેન્સિંગ કરવામાં આવ્યું છે. ગીર બોર્ડર અને રેવન્યુ વિસ્તારના જોખમી ખુલ્લા કૂવાઓની સુરક્ષા માટે પેરાપેટ વોલ બનાવવામાં આવી છે. નાઈટ પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા અને રેપિડ એક્શન ટીમની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ તમામ પ્રયાસો એશિયાટિક સિંહોના જતન અને તેમના અકાળે થતા મૃત્યુને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા છે.
પ્રાકૃતિક કૃષિ સેમિનાર સાથે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું. સેમિનાર બાદ ગૃહની કાર્યવાહી શરૂ થઈ જેમાં પશુપાલન, કૃષિ, વન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં પશુઓના નિભાવ માટેની સહાય અંગે પ્રશ્ન પૂછ્યો.
પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીએ જણાવ્યું કે 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ સરકાર દ્વારા ગૌશાળાઓ અને પાંજરાપોળોને પ્રતિદિન પ્રત્યેક પશુદીઠ માત્ર 30 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું કે વર્ષ 2024માં 609 અને 2025માં 295 રજૂઆતો મળ્યા છતાં, સભ્યોએ સહાય ન વધારવાની ફરિયાદ કરી.
ગૌશાળા સંચાલકો વધતી મોંઘવારીને કારણે સહાય વધારવાની માંગ કરી રહ્યા છે. છતાં, મંત્રીએ સ્પષ્ટ કર્યું કે છેલ્લા બે વર્ષમાં સહાયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ બાબતનો ઉલ્લેખ કરતા ગૃહમાં પશુપાલન સહાય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.

Related Posts

Load more