Ahmedabad Rain Damage: અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેર જળમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. અમુક સ્થળે ભૂવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ ધોધમાર વરસાદ બાદ કેવી છે અમદાવાદની હાલત…
અમદાવાદના સ્ટેડિયમ પાસે કોટેશ્વર મહાદેવ નજીક ભૂવા પડતા 4 વાહનો ફસાયા હતા. ફાયર વિભાગને ઘટનાની જાણ થતા વાહનો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પગલે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ઘૂસી ગયા છે. ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ટર્મિનલ 1ના ચેક ઈન એરિયામાં અનેક જગ્યાએ છતમાંથી પાણી ટપકી રહ્યા છે, જેથી નીચે પ્લાસ્ટિક ટબ મૂકવા પડ્યા છે. જો કે, ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલની બહાર ઘૂંટણસમા પાણી ભરાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરેલા ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલની બહાર હવે પાણી ભરાય છે. અગાઉ આવી ખરાબ સ્થિત ન હતી.’
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલ બેટમાં ફેરવાઇ, 1000 વિદ્યાર્થિની અટવાઈ
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં પાણી ભરવાની સમસ્યા છે. હોસ્ટેલની મેસમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સમગ્ર મેસ જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલની હાલત અત્યંત વિકટ બની છે. હોસ્ટેલની અંદરથી લઈને બહાર રોડ સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અહીં રહેતી 1000 જેટલી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. સતત ભરાયેલા પાણીના કારણે ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે ખાવા-પીવાથી લઈને આવવા-જવાની મોટી આફત ઊભી થઈ છે. ત્યારે હોસ્ટેલનો વીડિયો વાઇરલ થતા લોકો યોગ્ય અને તાત્કાલિક પગલા ભરવા માગ કરી રહ્યા છે.
મકરબા: 1000થી વધુ ઘરોમાં ઘૂસ્યા ગટરના પાણી, રહીશોએ ઘર છોડી શાળામાં આશરો લેવો પડ્યો
કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસની પોલ ખુલી ગઈ. વરસાદ રોકાયા બાદ પણ મકરબા વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો છે. મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા છતાં ગટરોના પાણી બેક મારતા ચારેતરફ કેડ સુધી પાણી જોવા મળ્યા છે. સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાતો તેમજ રાહદારીઓ રસ્તા બંધ હોવાથી અધવચ્ચે જ અટવાયા.
પરિસ્થિતિ એટલી વિકટ બની કે મકરબા ઈન્દિરાનગરના એક હજારથી વધુ ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતાં લોકોને સરકારી શાળામાં આશરો લેવાની ફરજ પડી. લોકોએ કહ્યું કે, ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને કોર્પોરેશનની નિષ્ફળ કામગીરીથી પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી હોવા છતાં, કોઈ સ્થાનિક નેતા કે ધારાસભ્ય મદદે ફરક્યા સુધ્ધાં નહીં. પ્રજાના ટેક્સના પૈસે માત્ર કાગળ પર જ વિકાસ થયો હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
વાહનો ડૂબી જવાના અને રસ્તાઓ બંધ થવાના કારણે સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાત વર્ગ અને રાહદારીઓ રસ્તામાં જ અટવાયા છે. એટલું જ નહીં, મકરબા ઈન્દિરાનગર જેવા વિસ્તારોમાં 1000થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સરકારી શાળામાં આશરો લેવાની નોબત આવી છે. ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને નિષ્ફળ પ્રી-મોન્સૂન કામગીરીથી ત્રસ્ત પ્રજા હાલાકી ભોગવી રહી છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક કોર્પોરેટરો કે ધારાસભ્યો ફરકતા પણ ન હોવાથી લોકોમાં સત્તાધીશો અને તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.