Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે (પાંચમી ઓગસ્ટ) ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ચારના મોત અને 50 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ સેના, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા
ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે ‘યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.’ ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે.