ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા બાદ રવિવારે વોર કેબિનેટની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ હતી કે ઈરાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર આ કેવી રીતે અને ક્યારે થશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનમાં કેદ 17 ભારતીયોની મુક્તિ માટે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી.
જયશંકરે કહ્યું કે બંને દેશોએ શાંતિ અને કૂટનીતિ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. જોકે, શનિવારે ઈરાને ઈઝરાયલના એક અબજોપતિની કંપનીનું જહાજ કબજે કર્યું હતું. આ કાર્ગો જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર હતા.
આ પહેલા ઈરાનની સેનાએ શનિવારે (ભારતીય સમય મુજબ) મોડીરાતે 3 વાગ્યે લગભગ 300 ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલે અમેરિકા અને અન્ય સહયોગી દેશો સાથે મળીને 99% ડ્રોન-મિસાઈલો અટકાવી દીધી હતી.
હુમલામાં માત્ર ઈઝરાયલના નેવાટીમ એરફોર્સ બેઝને થોડું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ઈઝરાયલ પરના આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ નામ આપ્યું છે. હકીકતમાં 1 એપ્રિલના રોજ ઈઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.બાઇડનનો પ્રસ્તાવઃ અમેરિકા ઇઝરાયલને 1.17 લાખ કરોડ રૂપિયાની મદદ કરે
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને સંસદ સમક્ષ ઈઝરાયલને 1.17 લાખ કરોડ રૂપિયાની સહાયનો પ્રસ્તાવ મૂક્યો છે.
અમેરિકી સંસદના સ્પીકર માઈક જોન્સને બાઇડન સાથે ફોન પર વાતચીત કર્યા બાદ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે અમેરિકા ઈઝરાયલની સાથે છે. અમે તેમના માટે વહેલી તકે રાહત પેકેજ જાહેર કરવાનો પ્રયાસ કરીશું.