ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો વચ્ચે રમાયેલો આ મુકાબલો નિર્ધારિત 90 મિનિટ સુધી 1-1ની બરાબરી પર રહ્યો હતો, જેના કારણે મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાએ શાનદાર રમત બતાવી બે ગોલ ફટકારી જીત મેળવી હતી.
આર્જેન્ટિનાની ધમાકેદાર શરૂઆત અને મેસીનો આસિસ્ટ
મેચની શરૂઆતમાં આર્જેન્ટિનાએ આક્રમક રમત રમી હતી. રમતની 10મી મિનિટે જ કેપ્ટન લિઓનલ મેસીએ કોર્નર કિક દ્વારા બોલ એલેક્સિસ મેક એલિસ્ટર તરફ પાસ કર્યો હતો, જેમણે હેડર વડે શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0ની લીડ અપાવી હતી. ચાલુ વર્લ્ડ કપમાં આ આર્જેન્ટિનાનો સૌથી ઝડપી ગોલ હતો, જેના કારણે હાફ ટાઇમ સુધી ટીમ આગળ રહી હતી.
બીજા હાફમાં સ્વિટ્ઝર્લેન્ડે કરી વાપસી, એમ્બોલોને રેડ કાર્ડ
બીજા હાફની 67મી મિનિટે સ્વિટ્ઝર્લેન્ડના ડૅન નડોએ રિકાર્ડો રોડ્રિગ્ઝના પાસ પર ગોલ કરીને મેચને 1-1ની બરાબરી પર લાવી દીધી હતી. જોકે, 72મી મિનિટે સ્વિટ્ઝર્લેન્ડને મોટો ફટકો પડ્યો જ્યારે બ્રીલ એમ્બોલોને VAR રિવ્યુ બાદ મેચનું બીજું યલો કાર્ડ મળ્યું અને રેફરીએ તેમને રેડ કાર્ડ બતાવી મેદાન બહાર મોકલી દીધા. આમ છતાં, 10 ખેલાડીઓ સાથે રમીને પણ સ્વિટ્ઝર્લેન્ડે મેચને એક્સ્ટ્રા ટાઇમ સુધી ખેંચી લીધી હતી.
એક્સ્ટ્રા ટાઇમમાં સબ્સ્ટીટ્યુટ ખેલાડીઓનો જાદુ
એક્સ્ટ્રા ટાઇમના બીજા હાફમાં આર્જેન્ટિનાના સબ્સ્ટીટ્યુટ ખેલાડીઓએ મેચ પલટી નાખી હતી. 112મી મિનિટે જોશ લોપેઝના પાસ પર જુલિયન અલ્વારેઝે ગોલ કરીને આર્જેન્ટિનાને 2-1ની લીડ અપાવી. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં (120+1 મિનિટ) અન્ય એક સબ્સ્ટીટ્યુટ ખેલાડી લૌતારો માર્ટિનેઝે ગોલ ડાઘીને આર્જેન્ટિનાનો સ્કોર 3-1 કરી જીત પાકી કરી દીધી હતી.
બંને ટીમોની અત્યાર સુધીની સફર
આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજમાં અલ્જીરિયા, ઓસ્ટ્રિયા અને જોર્ડનને હરાવીને ગ્રુપ-જેમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ રાઉન્ડ ઓફ 32માં કેપ વર્ડેને 3-2થી અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તને 3-2થી હરાવી અહીં સુધી પહોંચ્યું હતું. બીજી તરફ, સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ-બીમાં ટોપ પર રહ્યું હતું અને 72 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે રાઉન્ડ ઓફ 32માં અલ્જીરિયાને તથા પ્રી-ક્વાર્ટરમાં કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું.
સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર
હવે સેમિફાઇનલમાં આર્જેન્ટિનાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડે પણ પોતાની ક્વાર્ટર ફાઇનલ મેચમાં નોર્વેને એક્સ્ટ્રા ટાઇમમાં 2-1થી હરાવ્યું હતું, જેમાં જુડ બેલિંગહેમ બે ગોલ કરીને જીતના હીરો રહ્યા હતા.