રોહિત શર્માને જ્યારે ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે, શું અમે અહીં ટેસ્ટ સિરીઝ જીતીશું તો શું તેનાથી વર્લ્ડ કપની હારને ભૂલવામાં મદદ મળશે? આ સવાલ પર રોહિત શર્મા હસી પડ્યો હતો, પરંતુ હવે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જે હાલત છે તેના પરથી લાગી રહ્યું છે કે આ સિરીઝ વર્લ્ડકપની હારના ઘા પર મીઠું ભભરાવી રહી છે.
ભારત હજુ સુધી દક્ષિણ આફ્રિકામાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી, રોહિતની કપ્તાનીમાં આ વખતે અહીં આ ચમત્કાર થશે તેવી આશા હતી. પરંતુ સેન્ચ્યુરિયન ટેસ્ટનો પહેલો દિવસ શરૂ થયો ત્યારથી જ બધું પલટાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પ્રથમ દાવમાં ફક્ત કેએલ રાહુલ હતો, જે એકલો લડી રહ્યો હતો અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલીએ લડાયક ઈનિંગ રમી હતી.
સેન્ચુરિયનમાં પણ આવી જ સ્થિતિ બની હતી અને ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં 245 રન બનાવનાર ટીમ ઈન્ડિયા બીજા દાવમાં તેનાથી પણ ખરાબ હાલતમાં હતી અને માત્ર 131ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાએ ઈનિંગ અને 32 રને પરાજય આપ્યો હતો. એટલે કે સાઉથ આફ્રિકાએ એક ઈનિંગમાં 408 રનનો મોટો સ્કોર બનાવ્યો અને તે ટીમ ઈન્ડિયા માટે પૂરતો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતર્યા બાદ આશા હતી કે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં મોટો સ્કોર કરશે, પરંતુ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી બંને દાવમાં નિષ્ફળ સાબિત થઈ. રોહિત શર્મા બંને ઈનિંગ્સમાં માત્ર 5 અને 0 રન જ બનાવી શક્યો હતો જ્યારે યશસ્વી જયસ્વાલ 17 અને 5 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા છેલ્લા આફ્રિકા પ્રવાસ પર નહોતો અને યશસ્વી માટે આ પહેલો મોટો પડકાર હતો, એવામાં બંને પાસે ઓપન કરાવવું ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક સાબિત થયું હતું.
છેલ્લા 4-5 વર્ષોમાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ યુનિટ માટે જાણીતી છે. પરંતુ આ મેચમાં આ જાદુ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો, જસપ્રીત બુમરાહની 4 વિકેટ સિવાય અન્ય કોઈ બોલર કમાલ કરી શક્યો નહીં. ત્રીજા અને ચોથા ઝડપી બોલર તરીકે રમતા શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ આ મેદાન પર એવી રીતે રન આપ્યા કે જાણે ટેસ્ટ મેચમાં નહીં પણ વનડે મેચમાં બોલિંગ થઈ રહી હોય. સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયા આફ્રિકામાં શમી-સિરાજ-બુમરાહની ત્રિપુટીની ખોટ પડી છે.
વર્લ્ડ કપ ફાઈનલ બાદ પ્રથમ વખત મેદાન પર પરત ફરેલ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં સુસ્ત દેખાતો હતો. ન તો તે બેટિંગમાં રન બનાવી શક્યો, ન તે કેપ્ટનશિપમાં કંઈ ખાસ નિર્ણય લઈ શક્યો. મેદાન પર બોલિંગમાં ઘણા ફેરફારો અને નિર્ણયો આવ્યા જેના કારણે ભારતીય ટીમ દબાણમાં જોવા મળી. પૂર્વ કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ પણ મેચ દરમિયાન રોહિતની કેપ્ટનશીપની ટીકા કરી હતી, તેણે કહ્યું હતું કે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે કોઈ પ્લાન વગર મેદાનમાં ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.